ગીર સોમનાથ 16 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ આરોગ્ય વિભાગ દ્વારા વેરાવળ, તાલાળા, સૂત્રાપાડા સહિત તમામ તાલુકાઓમાં મચ્છરજન્ય રોગ અને વ્યસનમુક્તિ અંગે નાટકના માધ્યમથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના નાગરિકોને આરોગ્યલક્ષી સંદેશો આપી જાગૃત કરવામાં આવ્યાં હતાં.
આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બરુઆ તથા જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી અને એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉ.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ આ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
કલારંગ નાટય મંદિર-જુનાગઢના સહયોગથી તાલાલામાં નરસી ટેકરી અને ધાવા ગ્રામ્ય, તથા ગીરગઢડામાં ગરબી ચોક અને વડવિયાળા ગ્રામ્ય વિસ્તાર, ઉનામાં ભીમપરા અને કેસરિયા તથા વેરાવળમાં પ્રભાસ પાટણ અને નાવદ્રા ગ્રામ્ય વિસ્તાર તથા કોડીનારમાં વિરાટનગર અને મૂળ દ્વારકા, સૂત્રાપાડામાં વાછરાદાદા ચોક અને બંદર વિસ્તારમાં ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મલેરિયાના, ફાઇલેરિયા, હાથીપગો જેવા રોગ વિશે સમજૂતી અપાઈ હતઆને આ ઉપરાંત વાહક જન્યરોગો અને મચ્છરજન્ય રોગોના બચાવના ઉપાય અને વ્યસનમુક્તિ પર મનોરંજન સાથે નાટક દ્વારા આરોગ્યલક્ષી માહિતી આપવામાં આવી હતી. તમામ જગ્યાએ મોટી સંખ્યામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના નાગરિકોએ આ અભિયાનનો લાભ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ