જામનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : સ્વચ્છ ભારત મિશન હેઠળ જામજોધપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકા પંચાયત કન્યા વિદ્યાલયની ૨૫૦ જેટલી વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કન્યા વિદ્યાલયથી શરૂ થયેલ આ રેલીમાં શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ નગરપાલિકાના સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા. રેલી કન્યા શાળાથી ગાંધીચોક અને ત્યાંથી આઝાદ ચોક સહિતના રહેણાંક વિસ્તારોમાંથી પસાર થઈ હતી, જ્યાં સ્થાનિક લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
રેલી દરમિયાન હાથમાં સૂત્રોચ્ચાર લખેલા પોસ્ટરો અને બેનરો સાથે વિદ્યાર્થિનીઓએ સ્વચ્છતા એ જ સેવા છે, આપણું ગામ, સ્વચ્છ ગામ, અને પ્લાસ્ટિકનો ત્યાગ કરો જેવા નારા લગાવ્યા હતા. આઝાદ ચોક વિસ્તારમાં રેલીની પૂર્ણાહુતિ થઈ હતી જ્યાં સૌએ સ્વચ્છતા જાળવવા અને પોતાના આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવા માટેના શપથ લીધા હતા.
આ પ્રસંગે નગરપાલિકાના અધિકારીઓએ સ્વચ્છતાના આ અભિયાનમાં સહયોગ આપવા બદલ શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થિનીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt