સુરત, 18 સપ્ટેમ્બર (હિ.સ.)-કતારગામ નગીનાવાડી સામે આવેલ શૈલેષ પટેલ કોર્પોરેશન અને શૈલેષ પી. પટેલના નામથી વિઝા ઈમીગ્રેશન તથા વર્ક પરમીટનું કામકાજ કરતા પટેલ દંપતિએ 76 જેટલા લોકો વિદેશમાં નોકરી અપાવવાના બહાને તેમની પાસેથી કુલ રૂપિયા 1.88 કરોડ પડાવી લીધા બાદ બોગસ વિઝા અને પરમીટના દસ્તાવેજા આપી છેતરપિંડી કરવામાં આવતા મામલો પોલીસમાં પહોચ્યો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અડાજણ, પાલનપુર પાટીયા, અંકુર એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેશ અશ્વિનભાઈ શાહ (ઉ.વ.46) ઓથેન્ટીક ઈમીગ્રેશનના નામથી ફ્રી લાન્સર તરીકે કમિશન ઉપર ઈમીગ્રેશનને લગાતી પ્રોસેસ આપી ચાર વર્ષથી ઈમીગ્રેશન વીઝા કન્સલટન્ટ તરીકે કામકાજ કરે છે. ધર્મેશભાઈ સહિત ૭૬ જેટલા લોકોએ કતારગામ નગીનાવાડી સામે નંદનવન શોપીંગ સેન્ટરમાં શૈલેષ પટેલ કોર્પોરેશન અને શૈલેષ. પી.પટેલના નામથી વિઝા ઈમીગ્રેશન તથા વર્ક પરમીટનું કામકાજ કરતા શૈલેષ પુનમભાઈ પટેલ અને તેની પત્ની કલ્પનાબેન શૈલેષભાઈ પટેલ (રહે,મહાવીરનગર સોસાયટી, ગજેરા સર્કલ પાસે કતારગામ) દ્વારા અલગ અલગ દેશના વિઝા તેમજ વર્ક પરમીટ અપાવવાના બહાને 1,88,11,500 પડાવી લીધા હતા. ત્યારબાદ તમામ વિદેશ જવા ઈચ્છુકોને બોગસ એમબીસીના બાયોમેટ્રીક લેટરમા એડીટ કરી બોગસ વિઝા અને પરમીટના દસ્તાવેજા બનાવી આપ્યા હતા. ધર્મેશભાઈએ તેમના પૈસાની માંગણી કરતા પટેલ દંપતિએ રકમ પરત આપવાના બહાને આઈસીઆઈસીઆઈ બેંક, કતારગામ શાખા અને આરબીએલ બેંક, રીંગ રોડ શાખાના કુલ 14 ચેકો આપ્યા હતા. પરંતુ તે ચેકો રીટર્ન થયા હતા. આ અંગે પણ ધર્મેશભાઈએ તેમની સામે કોર્ટમાં ચેક બાઉન્સના કેસો પણ નોંધાવ્યા છે. જે હાલમાં ચાલી રહ્યા છે. બનાવ અંગે કતારગામ પોલીસે ધર્મેશભાઈની ફરિયાદ લઈ પટેલ દંપતિ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે