ગીર સોમનાથ 18 સપ્ટેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં પ્રથમવાર જિલ્લા કક્ષાની ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. એ.આર.ભટ્ટ કોલેજ અને તાર્લ્સ ચેસ એકેડમી ક્લાસના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં અંડર-9થી 16 વર્ષના બાળકોએ ભાગ લીધો.
કોલેજના પ્રિન્સિપાલ જાનવીબેન ભટ્ટના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે ટુર્નામેન્ટનો પ્રારંભ થયો. ઉના, કોડીનાર, તાલાલા, વેરાવળ, સાસણ ગીર અને અમરેલી સહિતના તાલુકાઓમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો. સ્વિસ રાઉન્ડ સિસ્ટમ અંતર્ગત કુલ 7 રાઉન્ડ રમાડવામાં આવ્યા. વિજેતાઓની યાદીમાં અંડર-9 કેટેગરીમાં હેત ગૌતમકુમાર ઝાલેરા પ્રથમ, મિશીતા ત્રિવેદી દ્વિતીય અને સયન ચારણીયા તૃતીય સ્થાને રહ્યા. અંડર-12માં વીર સોમૈયા પ્રથમ, વેદ દમણીયા દ્વિતીય અને કેયુર પરમાર તૃતીય સ્થાને રહ્યા. અંડર-16માં રૂદ્ર જાની પ્રથમ, ધાર્મિક સોલંકી દ્વિતીય અને જૈનિમ ઝાલા તતીય સ્થાને રહ્યા.
ઉના તાલુકા ખેલ મહાકુંભના કન્વીનર એસ.આર.પટેલ અને ડૉ. અલકાબેન વકીલ સહિતના અગ્રણીઓએ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા. તમામ સ્પર્ધકોને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. કોલેજના ટાઉન હોલમાં યોજાયેલી આ ટુર્નામેન્ટની સમગ્ર વ્યવસ્થા કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફે સંભાળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ