જિલ્લા પંચાયત ખાતેથી 'સ્વચ્છતા એ જ સેવા' અભિયાન અંતર્ગત 'સ્વચ્છોત્સવ'નો શુભારંભ
ગીર સોમનાથ 18 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનના ૭૫ વર્ષ નિમિત્તે આજથી તા.૨જી ઓકટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ સુધી દેશભરમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ઉપક્રમે જિલ્લા પંચાયત કચેરી, ઈણાજ ખાતે ‘સ્વ
જિલ્લા પંચાયત ખાતેથી 'સ્વચ્છતા


ગીર સોમનાથ 18 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનના ૭૫ વર્ષ નિમિત્તે આજથી તા.૨જી ઓકટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ સુધી દેશભરમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ઉપક્રમે જિલ્લા પંચાયત કચેરી, ઈણાજ ખાતે ‘સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ’ દ્વારા જિલ્લાભરમાં 'સ્વચ્છોત્સવ' નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

સ્વચ્છતા માટેના આ ઉત્સવની શરૂઆત જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની ઉપસ્થિતિમાં 'સ્વચ્છતા એ જ સેવા' અંતર્ગત 'સ્વચ્છોત્સવ'ની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી.

કલેક્ટર એન વી ઉપાધ્યાયે આ અવસરે સ્વચ્છતા સંદર્ભે જણાવ્યું કે, સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા એ જ સેવા ૨૦૨૫’’ અંતર્ગત સ્વચ્છતાનો મહાઉત્સવ “સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિકાસની શરૂઆત સ્વચ્છતાથી જ થાય છે. સ્વચ્છતાની શરૂઆત આપણા ઘરથી જ કરવી પડે છે. જો પોતાનું આંગણું સ્વચ્છ રહેશે તો, ગામ સ્વચ્છ રહેશે અને ગામ સ્વચ્છ રહેશે તો, તાલુકો સ્વચ્છ રહેશે અને જો તાલુકાઓ સ્વચ્છ રહેશે તો, આપણો સમગ્ર ગીર સોમનાથ જિલ્લો સ્વચ્છ રહેશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સ્વચ્છતાને જીવનનો એક ભાગ બનાવવો જોઈએ. સમાજ જીવનના એક નાગરિક તરીકે ફક્ત આપણું આંગણું જ નહીં પરંતુ સમગ્ર સમાજ સ્વચ્છ બને અને આસપાસનું વાતાવરણ પણ પવિત્ર થાય તે દિશામાં પ્રયત્નો કરવા જોઈએ.

તેમણે વિવિધ ઉદાહરણો દ્વારા કઈ રીતે સૂકો કચરો અને ભીનો કચરો, સેગ્રીગેશન, શોકપીટ સહિતના આયામો દ્વારા સ્વચ્છતા કેળવી શકાય તે વિશે વાત કરીને આજથી શરૂ થયેલા આ પખવાડિયા દરમિયાન સમગ્ર જિલ્લો સ્વચ્છ અને સુંદર બને તે માટે કટિબદ્ધ રીતે કાર્ય કરવા માટે આહવાન કર્યું હતું.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગ્રામ વિકાસના અનેક કાર્યો હાથ ધરવામાં આવે છે. ત્યારે આ કાર્યોમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપીને કાર્ય કરવામાં આવે તેમજ આ કાર્યમાં સમાજના લોકોને પણ જોડવામાં આવે તો સ્વચ્છતાનું કાર્ય આપોઆપ દીપી ઉઠશે. તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

કલેક્ટરએ વધુમાં જણાવ્યું કે, ગામડા એ ભારતનો આત્મા છે. જો પંચાયતી રાજના આ પ્રથમ પગથિયાથી તેની શરૂઆત થશે તો ગામસ્તરે ત્યારબાદ તાલુકાસ્તરે અને છેવટે જિલ્લા અને રાજ્યસ્તરે સ્વચ્છતા એ આપણો સ્વભાવ બનશે. સ્વચ્છતા કેળવવા માટે કોઈ લેશનની જરૂર નથી પરંતુ એ આપણા વ્યવહારિક જીવનનો ભાગ બને તે ખૂબ અગત્યનું છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતાનો સંકલ્પ ગ્રામ્ય લોકો સુધી પહોંચે એ રીતે સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અભિયાન વેગવંતુ બનાવવામાં આવશે. સમગ્ર જિલ્લામાં ૨૭૨ કેન્ડિડેટ ટાર્ગેટ યુનિટ તેમજ વારંવાર સફાઈ થઈ જતાં છતાં કચરો થતો હોય એવા ૫૨ સ્થળો પર ખાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લાની સફાઈ દ્વારા ગાંધીજીને પ્રિય એવી સ્વચ્છતા અપનાવી તેમને સાચી અંજલિ આપવાનો આ અવસર છે.

આ તકે, ઉપસ્થિત મહાનુભાવો અને સહભાગીઓ દ્વારા સ્વચ્છતાની જાળવણી અંગેના સામૂહિક શપથ લેવામાં આવ્યાં હતાં.

આ અવસરે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ સહિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande