જામનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગર તાલુકાની મોટી ખાવડી કુમાર શાળા ખાતે કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સ્વચ્છતાકર્મીઓનું કીટ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તથા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અંગેના શપથ તેમજ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા અંગે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી. બાદમાં મહાનુભાવોએ શાળાના પરિસરની બહારના ભાગમાં સફાઈ કરી લોકોને પણ પોતાનું ગામ સ્વચ્છ રાખવા અંગે અપીલ કરી હતી.
કાર્યક્રમમાં કલેકટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ જ સ્વભાવના સૂત્રને સાર્થક કરવા માટે આપણે સૌએ પ્રયાસ કરવો જોઈએ તેમજ ગામમાં કચરો ન ફેલાવી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે આવતા વાહનોમાં કચરો ફેંકવો જોઈએ. ઘરમાં પણ ભીનો અને સૂકો કચરો અલગ રાખવો જોઈએ જેથી કરીને આપણી આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ રહે અને પ્રદૂષણના પરિણામે ફેલાતા રોગો અટકાવી શકાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીના સ્વચ્છતા પ્રત્યેના આગ્રહને ધ્યાનમાં રાખીને દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન શરૂ કરાવ્યું છે. જેમાં આપણે સૌએ સહભાગી થઈ ભારતને સ્વચ્છ રાષ્ટ્ર બનાવવું જોઈએ. કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીની શાલિની દ્વારા સ્વચ્છતા વિશે વિશેષ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીની સફાઈ અંગે જાગૃતતા જોઈ કલેક્ટરે તેણીનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે પ્રકારે પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન દુધાગરા, જિલ્લા પંચાયતના સદસ્ય વિઠ્ઠલભાઈ કણજારીયા સહીતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચ મોરી, તાલુકા વિકાસ અધિકારી એ.બી.જોશી, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt