


ગાંધીનગર, 11 જાન્યુઆરી (હિ.સ.) : ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ સમાજહિતલક્ષી પ્રવૃત્તિઓ સાથે સાથે સાંસ્કૃતિક અને કલાત્મક કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે સતત કાર્યરત છે. ભારતીય શાસ્ત્રીય સંગીતના સંવર્સંધન સારું એકમાત્ર ઉદગમ ટ્રસ્ટ કાર્યક્રમોનું નિયમિત આયોજન કરે છે. શાસ્ત્રીય સંગીતના આરાધક ગાંધીનગરના યુવા કલાકારોને મંચ પૂરો પાડવાના આશયથી ઉદગમ દ્વારા ઉદગમ સુર પ્રભાતની શરૂઆત કરવામાં આવી.
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ઉદગમ સુર પ્રભાત – ધ મોર્નિંગ રાગ કોન્સર્ટ” પ્રભાત સંગીત કાર્યક્રમ આજ રોજ રવિવાર, તારીખ 11 જાન્યુઆરી 2026 ના રોજ પંચેશ્વર મહાદેવ મંદિર સામે, રાયસન મેટ્રો સ્ટેશન નજીક, રાયસન, ગાંધીનગર ખાતે યોજાયેલ હતો.
સવારે 7:00 થી 9:00 કલાક દરમિયાન યોજાયેલા આ ઉદગમ સુર પ્રભાત માં ગાંધીનગરના યુવા પ્રતિભાવંત ગાયક કંદર્પ શુક્લાએ પોતાના સુમધુર સ્વરે પ્રારંભ રાગ આહિર ભૈરવ: મેરી અરજ સુન લી જે દિન દયાલ ત્યારબાદ અલબેલા સજન આયો રેથી કર્યા બાદ વૃંદાવનની સારંગ: ટ્રેડિશનલ બંદીશ: બન બન ઢુંઢન જાઊં ત્યારબાદ મરાઠી અભંગ: હરિ મહણા તુંમી ગોવિંદ મ્હાના હરિ નારાયણ, પ્રભાતિયા : રાગ માંડ પર..જાગને જાદવા અખંડ રોજી , ઓધાજી મારા વાલા ને.., રાગ ભોપાલી: ઓમ નમઃ શિવાય, માંડ મિશ્રિત ખમાજ: રામસભામાં અમે રમવાને ગ્યાતા અને જાગોને અલબેલા કાના, થોડાક વિરામ સમયે: સચિન મોદીએ વાંસળીની ધૂન પર મારા ઘટમાં બિરાજતા અને કૃષ્ણ સીરીયલ નો ટાઈટલ મ્યુઝિક, હનુમાનજીની ક્લાસિકલ સ્તુતિ રાગ જોગ પર હનુમાનલલા,મેરે પ્યારે લલા.., પ્રેક્ષક ની પસંદ : રાગ કેદાર: દર્શન દો ઘનશ્યામ, અંતમાં ક્લાસિકલ રામધૂન શ્રી રામ જય રામ જય જય રામ કરીને સમગ્ર શ્રોતાજનોને ભાવવિભોર કરી દીધા હતા.
કંદર્પ શુક્લ ની સાથે મોહિત વિશ્વકર્મા - હાર્મોનિયમ,સાહિલ ચૌહાણ - તબલા,સત્યમ કાનાબાર - મંજીરા, સચિન મોદી - વાંસળી ની સાથે ભક્તિ, શાસ્ત્રીય સંગીત તથા પ્રભાતમાં ગવાતા રાગની મનમોહક રજૂઆત કરી હતી. પ્રભાતના શાંત અને પવિત્ર વાતાવરણમાં રજૂ થયેલા સંગીતથી ઉપસ્થિત શ્રોતાઓએ આત્મિક શાંતિ અને સકારાત્મક ઊર્જાનો અનુભવ કર્યો હતો.
ઉદગમ સુર પ્રભાતના અંતે ઉદગમ ના મે. ટ્રસ્ટી ડો. મયુર જોષીએ આવી અદભૂત પ્રસ્તુતિ બદલ કલાકારો અને સહુ ઉપસ્થિતિ શ્રોતાઓનો આભાર માન્યો હતો. કાર્યક્રમનું મંચ સંચાલન પારૂલબેન મહેતાએ કર્યું અને સમગ્ર સફળ બનાવવા દીપાંશ છાબડા, વાગ્મી જોષી, કિરાત જોષી, કૃણાલ વાઘેલા એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં ચાણક્ય જોષી, દીક્ષિતા જોષી, અનિતા ચાવડા, શરદ વ્યાસ, ડો. રાજેન્દ્ર જોષી, પન્નાબેન જોષી વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ