વલસાડમાં નકલી સોનાના સિક્કા–બ્લેક મની ઠગાઈનો ભંડાફોડ, આંતરરાજ્ય ગેંગના બે સભ્યો ઝડપાયા
વલસાડ, 12 જાન્યુઆરી (હિ.સ.): વલસાડ રૂરલ પોલીસે નકલી સોનાના સિક્કા અને ‘બ્લેક મની’ના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા છે. ખાનગી બાતમીના આધારે વલસાડ–ધરમપુર રોડ પરથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તે
Arrest


વલસાડ, 12 જાન્યુઆરી (હિ.સ.): વલસાડ રૂરલ પોલીસે નકલી સોનાના સિક્કા અને ‘બ્લેક મની’ના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા છે. ખાનગી બાતમીના આધારે વલસાડ–ધરમપુર રોડ પરથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તેમની પાસેથી મોટરસાયકલ, નકલી સિક્કા સહિત કુલ રૂ.49,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસને માહિતી મળી હતી કે કાળી પલ્સર મોટરસાયકલ પર બે શખ્સો ધરમપુરથી વલસાડ તરફ આવી રહ્યા છે અને તેઓ નકલી સોનાના સિક્કા રાખી લોકો સાથે ઠગાઈ કરવાની તૈયારીમાં છે. આ આધારે વાંકલ ગામના બોરડી ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક વોચ ગોઠવાઈ હતી. શંકાસ્પદ મોટરસાયકલ અટકાવી તપાસ કરતા કમલાકર સુરેશ ગાંગુર્ડે (નાસિક) અને જયપ્રકાશ ઉર્ફે પ્રકાશ ઉર્ફે પકીયા પંઢરીનાથ મેહેર (પાલઘર) ઝડપાયા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓ સસ્તામાં સોનું આપવાની લાલચ આપી નકલી સોનાના સિક્કા આપી લોકોને છેતરતા હતા. સાથે સાથે ચલણી નોટના માપના કાળા કાગળોના બંડલ પર ઉપર-નીચે અસલી નોટ મૂકીને ‘બ્લેક મની’ને અસલી નોટમાં બદલી આપવાના બહાને પણ ઠગાઈ કરતા હતા.

આરોપીઓ પાસેથી MH 15 JY 4031 નંબરની અંદાજે રૂ.40,000ની મોટરસાયકલ, 152 નકલી સોનાના સિક્કા, કાળા કાગળના ટુકડા, ત્રણ મોબાઇલ ફોન અને રૂ.5,500 રોકડા મળી કુલ રૂ.49,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે BNSS કલમ 35(1) અને 105(1) હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande