
વલસાડ, 12 જાન્યુઆરી (હિ.સ.): વલસાડ શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી કરવા ગયેલા પોલીસકર્મી પર હુમલો થવાની ગંભીર ઘટના બની છે. મોગરાવાડી હનુમાન ફળીયા વિસ્તારમાં નાગેશ્વર મંદિર–શારદાધામ નજીક 11 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે લગભગ 10:15 વાગ્યે આ બનાવ નોંધાયો હતો. વલસાડ સિટી પોલીસના સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ પ્રવિણસિંહને મળેલી બાતમીના આધારે યશ દીપકભાઈ નિકમ ચાઈનીઝ દોરી વેચાણમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું.
તપાસ દરમિયાન યશ નિકમના એક્ટિવા વાહનમાંથી ચાઈનીઝ દોરીની ફિરકીઓ મળી આવી હતી. પૂછપરછ ચાલી રહી હતી ત્યારે યશના માતા-પિતા દીપકભાઈ નિકમ અને ડિમ્પલબેન નિકમ સહિત અન્ય લોકોએ ઉશ્કેરાઈને પોલીસકર્મી પર લાકડાના ધોકા તથા ઢીકા-મુક્કાથી હુમલો કર્યો હતો. આરોપીઓએ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ નોંધાયો છે.
હુમલામાં સહદેવસિંહને જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનો મોબાઈલ ફોન તૂટી જતા આશરે 40 હજાર રૂપિયાનું નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં 112 હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. ઇજાગ્રસ્ત પોલીસકર્મીને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે યશ નિકમ, દીપકભાઈ નિકમ, ડિમ્પલબેન નિકમ, સંદીપ અને રીનાબેન સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે