
પાટણ, 14 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમે VISWAS પ્રોજેક્ટ હેઠળ CCTV કેમેરાની મદદથી રીક્ષામાં ભૂલાયેલો કિંમતી મોબાઈલ શોધી તેના મૂળ માલિકને પરત સોંપ્યો છે. આ કામગીરીથી પાટણ પોલીસની પ્રજાલક્ષી કામગીરી ફરી એકવાર સામે આવી છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચનાથી જિલ્લામાં CCTV કેમેરાનો અસરકારક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત, પાટણના રહેવાસી પરેશભાઈ ઠક્કરે સિદ્ધપુર ચાર રસ્તા પાસે રીક્ષામાં મુસાફરી દરમિયાન આશરે રૂ. 12 હજારની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ ભૂલાવ્યો હતો.
ફરિયાદ મળતાની સાથે નેત્રમ ટીમે તાત્કાલિક CCTV ફૂટેજ ચકાસ્યા અને સંબંધિત રીક્ષાનો નંબર GJ38WA3372 ઓળખી કાઢ્યો. રીક્ષા ચાલક પાસેથી માહિતી મળતા જાણવા મળ્યું કે મોબાઈલ રૂની ખાતે ઉતરેલા અન્ય મુસાફર પાસે રહ્યો હતો.
નેત્રમ ટીમે રૂની પહોંચી તપાસ કરી ખોવાયેલો મોબાઈલ મેળવી પરેશભાઈ ઠક્કરને પરત આપ્યો. આ કામગીરીમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ અને સ્ટાફનો પરેશભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ