
પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.)પાટણ તાલુકાના સંખારી ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત હાલતમાં રહેલા 14 ઓરડાઓ અંગે તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા સોહનકુમાર પટેલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ શાળાના કુલ 14 ઓરડાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે, જેમાં 5 પતરાવાળા અને 9 ધાબાવાળા ઓરડાનો સમાવેશ થાય છે. પતરાવાળા ઓરડા આશરે 100 વર્ષ જૂના હોવાથી દીવાલો ખરતી રહે છે, જ્યારે ધાબાવાળા ઓરડાઓમાં ચોમાસા દરમિયાન પાણી ટપકવાની ગંભીર સમસ્યા જોવા મળે છે.
આ ઓરડાઓ હાલ બાળકો માટે જોખમી બની ગયા હોવાથી કોઈ મોટી દુર્ઘટના ન બને તે હેતુથી તમામ નુકસાનગ્રસ્ત ઓરડાઓ તાત્કાલિક પાડી નવા બનાવવાની કાર્યવાહી કરવા સોહનકુમાર પટેલે માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ