
દેવભૂમિ દ્વારકા, 15 જાન્યુઆરી (હિ.સ.) : દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા તારીખ 4 એપ્રિલ 2025ના રોજ બોમ્બે પોલીસ એક્ટ-1951ની કલમ 37(3) હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ જાહેરનામા મુજબ દેવભૂમિ દ્વારકામાં આવેલા તમામ રાજ્ય સરકારના વિભાગો અને તેના હેઠળની કચેરીઓ તેમજ રાજ્ય સરકાર હસ્તકના જાહેર સાહસોની કચેરીઓ અને તેમના પરિસરમાં ઉપવાસ, ધરણાં, ભૂખ હડતાલ, ચારથી વધુ લોકો એકત્ર થવા, તેમજ કચેરીથી 100 મીટરની ત્રિજ્યામાં પ્રવેશ કર્યા બાદ સભા, સરઘસ કે સૂત્રોચાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ જાહેરનામું તારીખ 04-04-2025થી 03-04-2026 સુધી એક વર્ષ માટે લાગુ કરવામાં આવ્યું છે.
જિલ્લા પ્રશાસનના આ નિર્ણય સામે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ શ્રીપાલભાઈ રામભાઈ આંબલીયા દ્વારા પોતાના વકીલ ઝમીર શેખ મારફતે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી પડકાર કરવામાં આવ્યો છે.
આજરોજ પિટિશનની સુનાવણી દરમિયાન નામદાર ગુજરાત હાઇકોર્ટે સરકારને પ્રશ્નો કર્યા હતા અને આ મામલે નોટિસ ફટકારી છે. સાથે જ આગામી તારીખે અરજી પર વિગતવાર સુનાવણી રાખવામાં આવી છે. હાઇકોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવતા હવે આ મામલો વધુ ગરમાયો છે અને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે