

પાટણ, 17 જાન્યુઆરી (હિ.સ.) પાટણ જિલ્લા પંચાયત અને ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા આજરોજ સિદ્ધપુર તાલુકાના ખળી ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ પશુપાલકોને આધુનિક અને વૈજ્ઞાનિક પશુપાલન પદ્ધતિઓ અંગે માહિતગાર કરવાનો હતો.
રાજ્ય સરકારની પશુપાલક લક્ષી નીતિઓ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ પશુપાલન દ્વારા આવક વધારવાની રીતો અને પશુઓના આરોગ્ય સંભાળ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.
પ્રદર્શનના માધ્યમથી પશુપાલન ક્ષેત્રે થતા નવા પરિવર્તનોની જાણકારી આપવામાં આવી હતી. આ સાથે વિવિધ સરકારી યોજનાઓ હેઠળ પસંદ કરાયેલા લાભાર્થી પશુપાલકોને સહાયના સાધનો તથા મંજૂરી પત્રોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં પશુપાલન વિભાગના અધિકારીઓ સહિત પાટણ જિલ્લાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે કાર્યક્રમ સફળ રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ