સુરતમાં ‘રાજભાષા પ્રદર્શન અને પરિસંવાદ’ યોજાયો
સુરત, 17 જાન્યુઆરી (હિ.સ.) : ભાષા નિયામકની કચેરી-ગાંધીનગર (રમતગમત, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ) તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સુરતના સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે ''રાજભાષા પ્રદર્શન અને પરિસંવાદ'' યોજાયો હતો. નાનપુરા સ્થિત જીવનભારત
Surat


સુરત, 17 જાન્યુઆરી (હિ.સ.) : ભાષા નિયામકની કચેરી-ગાંધીનગર (રમતગમત, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ) તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સુરતના સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે 'રાજભાષા પ્રદર્શન અને પરિસંવાદ' યોજાયો હતો.

નાનપુરા સ્થિત જીવનભારતી મંડળના સભાગૃહમાં આયોજિત રાજભાષા પ્રદર્શન અને પરિસંવાદમાં મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, ગુજરાતી ભાષા એ માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિ, ઓળખ અને અસ્મિતા છે. ગુજરાતીઓ જ્યારે દેશ કે દુનિયાના કોઈ પણ ખૂણે જાય છે, ત્યારે 'ગુજરાતી' હોવાની ઓળખ જ તેમને વિશેષ માન-પાન અપાવે છે. માતૃભાષાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે લેખકો, કવિઓ અને શિક્ષણવિદોના પ્રયાસો બિરદાવવા લાયક છે.

ગુજરાતી માતૃભાષાનું મહત્વ દર્શાવતા તેમણે જણાવ્યું કે, અન્ય ભાષાઓ શીખવી જરૂરી છે, પરંતુ માતૃભાષા પ્રત્યે લઘુતાગ્રંથિ રાખ્યા વગર તેનો ગૌરવભેર ઉપયોગ કરવો જોઈએ. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના તમામ વિભાગો, સરકારી કચેરીઓ અને શાળાઓમાં વહીવટી કામગીરી, પરિપત્રો તથા પત્રવ્યવહાર ગુજરાતી ભાષામાં જ થાય તે સરકારે સુનિશ્ચિત કર્યું છે.

આજના આધુનિક સમયમાં સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ગુજરાતી ભાષાના ઉપયોગ વધારવા મંત્રીએ અપીલ કરી હતી. તેમણે ઉપસ્થિત સૌને ભારપૂર્વક અનુરોધ કર્યો કે, ઘરમાં બાળકો સાથે ગુજરાતીમાં વાત કરીએ, જેથી નવી પેઢી પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે. ગરબા જેવા સાંસ્કૃતિક વારસાને જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી રહી છે, ત્યારે આપણી ભાષાનું ગૌરવ પણ એટલું જ વધવું જોઈએ.

કાર્યક્રમ દરમિયાન રાજ્યના આદિવાસી પટ્ટાની આદિવાસી બોલીઓના શબ્દકોશ તૈયાર કરવાના સૂચન અંગે મંત્રીએ હકારાત્મક પ્રતિસાદ આપતા જણાવ્યું કે, આ શબ્દકોશ માટે સરકાર જરૂરી મદદ પૂરી પાડશે. ભાષાના સંવર્ધન માટે જે પણ યોગ્ય નિષ્કર્ષ કે રજૂઆતો આવશે તેના પર સરકાર યોગ્ય મદદ અને અમલીકરણ માટે કટિબદ્ધ છે.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા ભાષા નિયામક કિનલબેન ખરાડીએ ભાષા નિયામક કચેરીની કાર્યપદ્ધતિ અને ભાષા સંશોધન કામગીરીનો પરિચય આપી જણાવ્યું કે, ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવા માટે આ કચેરી દ્વારા ઓનલાઈન શબ્દકોશ અને શુદ્ધ જોડણી માટેનું અદ્યતન સોફ્ટવેર વિકસાવવામાં આવી રહ્યું છે.

પ્રખ્યાત લેખક, સાહિત્યકાર બકુલ ટેલર, કટારલેખક અને ભાષાવિદ કાનજીભાઈ ભાલાળા અને VNSGU ગુજરાતી ભવનના ડૉ. નરેશ શુક્લએ કાર્યક્રમને અનુરૂપ માર્ગદર્શન અને વિચારો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે VNSGU ના કુલપતિ ડૉ. કે.એન. ચાવડા, નાયબ ભાષા નિયામક કેતનભાઈ ઉપાધ્યાય, સંશોધન અધિકારી વિરલભાઈ ગોહિલ, પ્રકાશન અધિકારી જશુભાઈ કવાડ, શિક્ષણ નિરીક્ષકો ડો.નિહારિકા પટેલ અને પ્રિતેશ મિસ્ત્રી, જીવનભારતી ટ્રસ્ટના ભરતભાઇ શાહ, અજિતભાઈ શાહ, શાળાના આચાર્ય પિંકીબેન માળી સહિત શિક્ષકો, ભાષાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande