



અમદાવાદ,17 જાન્યુઆરી (હિ.સ.) આઈજેએફએ ગુજરાત અને શ્રેયસ ફાઉન્ડેશન દ્રારા પતંગ-ઓ-દોરી ફેસ્ટિવલ યોજાયો જાપાનીઝ પતંગનું અમદાવાદી પતંગ સાથે આકાશમાં નૃત્ય
પતંગોત્સવમાં હામામાત્સુ અને અમદાવાદના મેયરે સિસ્ટર સિટી સંબંધોને મજબૂત કરવા સાથે મળીને પતંગ ઉડાવ્યા
હામામાત્સુ-અમદાવાદ સિસ્ટર સિટી ભાગીદારીની પ્રથમ વર્ષગાંઠ અને ગુજરાત તથા જાપાન વચ્ચેના 50 વર્ષના જીવંત સંબંધોની યાદમાં, એક અનોખો સાંસ્કૃતિક ફેસ્ટિવલ 'પતંગ-ઓ-દોરી' ઉત્તરાયણની સવારે શ્રેયસ ફાઉન્ડેશન સાથે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ જાપાનના પતંગ પાટનગર હામામાત્સુ અને ભારતીય પતંગ પરંપરાના હૃદય સમાન અમદાવાદ વચ્ચે એક અનોખો સાંસ્કૃતિક સેતુ પ્રદર્શિત કરે છે.
હામામાત્સુ-અમદાવાદ સંબંધોની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે, હામામાત્સુના મેયર યુસુકે નાકાનોએ જાપાનની 'પતંગ રાજધાની' ગણાતા હામામાત્સુથી 15 નિષ્ણાત પતંગબાજોના વિશેષ ડેલીગેશનનું નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે 'પતંગ-ઓ-દોરી' નામના અનોખા સાંસ્કૃતિક ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી હતી, જેની થીમ 'અમદાવાદી પતંગ સાથે આકાશમાં નૃત્ય!' રાખવામાં આવી હતી. જાપાનીઝ પતંગબાજોએ તેમની પરંપરાગત પતંગ ઉડાડવાની તકનીકોનું પ્રદર્શન કર્યું હતું, જેમાં દોરડા વડે ઉડાડવામાં આવતા 3 મીટરના રંગબેરંગી જાપાનીઝ 'તાકો' એટલે પતંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પતંગોને પરંપરાગત રણશિંગા (બ્યુગલ) અને 'હેપ્પી કોટ્સ' પહેરેલા નૃત્યકારોની સાથે ઉડાડવામાં આવ્યા હતા, જે એક સુંદર સમન્વય જેવું દ્રશ્ય ખડું કરતાં હતાં .
શ્રેયસ ફાઉન્ડેશનના ચેરમેન; ધ હાઉસ ઓફ એમજી અને અગાશિયેના સ્થાપક અભય મંગળદાસે જણાવ્યું હતું કે આ સમગ્ર કાર્યક્રમ ભારતીય અને જાપાનીઝ પરંપરાઓના અનોખા સંગમ પર આધારિત હતો, જે બંને પ્રદેશો વચ્ચેના ઊંડા સુમેળનું પ્રતીક છે.
આ પતંગોત્સવમાં મહાનુભાવો તરીકે રાજદૂત સુજાન ચિનોય (જાપાનમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત; ડાયરેક્ટર જનરલ, આઈડીએસએ); હિરાકી શો (વાઈસ ગવર્નર, શિઝુઓકા પ્રીફેક્ચર, જાપાન); યુસુકે નાકાનો (મેયર, હામામાત્સુ શહેર, જાપાન); પ્રતિભા જૈન(અમદાવાદના મેયર); કોજી યાગી (મુંબઈ સ્થિત જાપાનના કોન્સ્યુલ જનરલ); કિન્જી સાઈતો(ડાયરેક્ટર, સુઝુકી મોટર્સ કોર્પોરેશન, જાપાન); સાઈતો કાઓરૂ (ચેરમેન, ધ હામામાત્સુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી); તાઈચી ઓકામોતો (મેનેજર, ઇન્ડિયા ડિવિઝન, સુઝુકી મોટર્સ કોર્પોરેશન, જાપાન); વિનય કુમાર (ચેરમેન, ઇન્ડિયન કોમ્યુનિટી ઓફ હામામાત્સુ) જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ