
જુનાગઢ, 18 જાન્યુઆરી (હિ.સ.) : જૂનાગઢ ગિરનાર તળેટી ભવનાથમાં અનેક પુરાણ પ્રસિદ્ધ આસ્થા કેન્દ્રો આવેલા છે, તેવું જ એક ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત નીલકંઠ મહાદેવનું મંદિર રૈવતાચલ- ગિરનારની ગોદમાં આવ્યું છે, દામોદર કુંડની લગોલગ આવેલા આ મંદિરે આસ્થાભેર હજારો શ્રદ્ધાળુઓ શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે.
મહાશિવરાત્રીના મેળા દરમિયાન અનેરા પૌરાણિક મહાત્મય ધરાવતા મુચકુંદ ગુફા અને સ્વયંભૂ શ્રી મુચકુંદ મહાદેવના આ મંદિરે ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો પધારે છે, તેની સાથે જ આ અતિ પ્રાચીન સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત નીલકંઠ મહાદેવના શ્રદ્ધાભાવ સાથે દર્શન કરે છે.
ભવનાથના મહાશિવરાત્રીના મેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તેની પૂર્વ તૈયારીઓનો સળવળાટ પણ જોવા મળી રહ્યો છે, આ વર્ષે રાજ્ય સરકારના પ્રયાસોથી મહાશિવરાત્રીના મેળાને વિશાળ ફલક પણ મળવા જઈ રહ્યું છે.
છેલ્લા સાતેક વર્ષથી આ મંદિરની સેવા પૂજા કરી રહેલા અમિતભાઈ મુછડીયા આ મંદિરના પૌરાણિક મહાત્મય વિશે વિગતવાર વાત કરતા જણાવે છે કે, મુચકુંદ મહાદેવ ગુફા સાથે આશરે ૫૨૦૦ વર્ષ પહેલાનો પ્રસંગ જોડાયેલો છે, તેનો ઉલ્લેખ શ્રીમદ ભગવત પુરાણમાં જોવા મળે છે, તે અનુસાર જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના મામા કંસની સામે વિજય મેળવ્યો ત્યારે કંસનો મિત્ર કાલયવન ભગવાન શ્રીકૃષ્ણ સાથે બદલો લેવા માટે આતુર બને છે, કાલયવન રાક્ષસી પ્રકૃતિ ધરાવતો હતો, જે ભગવાન શિવજીના વરદાનથી ખૂબ શક્તિશાળી બની ગયો હતો. તેની અપાર શક્તિઓ સામે તેને સીધો યુદ્ધ મેદાનમાં પરાસ્ત કરવો શક્ય ન હતો. એટલે ભગવાન શ્રીકૃષ્ણએ યુક્તિપૂર્વક યુદ્ધ મેદાનમાંથી ભાગવા લાગે છે, કાલયવનને ગુર્જર ભૂમિ રૈવતાચલ પર્વત તરફ દોરી લાવે છે.
આ પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણ એક કદમના ઝાડ નીચે આરામ માટે આજના ડાકોર ધામમાં રોકાય છે, અહીં કાલયવન ભગવાન શ્રીકૃષ્ણને રણભૂમિમાં યુદ્ધ કરવા માટે પડકારે છે, એટલે જ કાલયવન ભગવાન શ્રીકૃષ્ણને રણછોડ કહીને પુકારે છે. એટલે આ ઘટનાની સ્મૃતિમાં ડાકોરમાં ભગવાન 'રણછોડ'નું પૂજનીય ધામ આવેલુ છે. કાલયવન અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચે મથુરાની રણભૂમિમાંથી યુદ્ધ શરૂ થયું હતું, ત્યાંથી ભગવાન શ્રીકૃષ્ણ યેનકેન રીતે રૈવતાચલ પર્વત સુધી લાવે છે.
મુચકુંદ રાજા દેવોના પક્ષે ભયંકર યુદ્ધ કરી, દેવોને વિજય અપાવ્યો હતો પરંતુ મુચકુંદ રાજા દાનવો સાથે લાંબુ યુદ્ધ કરીને થાક્યા હોવાથી ઇન્દ્ર પાસે શાંતિ સાથે આરામ કરવાનું વર માંગે છે, એ વરદાન મુજબ મુચકુંડ રાજા રૈવતાચલ પર્વતની ગુફામાં સુતા હતા, જે ભગવાન શ્રીકૃષ્ણને જ્ઞાત હતું, એટલે તેમણે ચતુરાઈપૂર્વક પોતાનું પીતાંબર મુચકુંદ રાજા ઉપર ઓઢાડી દે છે, અહીં કાલયવન મુચકુંદ રાજાને ભગવાન શ્રીકૃષ્ણ સમજી તેને લાત મારીને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે, ત્યાં જ મુચકુંદ રાજાની નિંદ્રા ભંગ થાય છે અને કાલયવન ક્રોધાગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે.
ભગવાન શ્રીકૃષ્ણ અહીં મુચકુંદ રાજાને પૂર્ણ સ્વરૂપમાં દર્શન આપે છે. ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં આ પાવન ભૂમિ પર નીલકંઠ મહાદેવની સ્થાપના કરી તેની પૂજા કરી હતી.
પુજારી અમિતભાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રીના મેળાનું આ વર્ષે ભવ્યાતિ ભવ્ય આયોજન થઈ રહ્યું છે, તેનો પણ સવિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો.
આ જ જગ્યામાં સ્વયંભૂ પ્રગટ મુચકુંદ મહાદેવનું શિવલિંગ- મંદિર ઉપરાંત અન્નપૂર્ણા માતાજી, લક્કડભારતી મહારાજ, અમરભારતી બાપુ, ઉમેદગીરીબાપુની સમાધિ, અખંડ ધૂણો, કાળભૈરવ સહિતના આસ્થા સ્થળો આવેલા છે. હાલમાં આ સમગ્ર જગ્યાનું ભવનાથ મંદિર ટ્રસ્ટ હેઠળ સંચાલન કરવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ