
સુરત, 18 જાન્યુઆરી (હિ.સ.): “જીવનમાં ધ્યેય નક્કી હોય અને ધ્યેય સિદ્ધી માટે કઠોર પરિશ્રમની તૈયારી હોય તો કોઈ પણ વિકટ પરિસ્થિતિ અડચણરૂપ નથી લાગતી. આંખોમાં અડગ વિશ્વાસ અને ચહેરા પર સ્મિત સાથે પોતાના જેવા દરેક બાળકને પ્રેરણા આપતી સામાન્ય પરિવારની સુરતની 16 વર્ષની સ્વિમિંગ ચેમ્પિયન દેવાંશી રાણાએ આ વાત સાબિત કરી છે અને તરણમાં અનેરી સિદ્ધિ દેશને વિશ્વફલક પર ગૌરવ અપાવ્યું છે.
તાજેતરમાં જ દુબઈમાં યોજાયેલી ‘અંડર-16 એશિયન યુથ પેરા ગેમ્સ-2025’માં સ્વિમિંગની 3 સ્પર્ધા- 100 મીટર બેક સ્ટ્રોક, 100 મીટર ફ્રી સ્ટાઈલ અને 50 મીટર ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેળવી જીતની હેટ્રિક લગાવી છે. એટલું જ નહીં, આ કેટેગરીમાં સ્વિમિંગ માટે દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મેળવનારી દેવાંશી એક માત્ર સ્પર્ધક હતી.
સુરત જ નહીં, પણ દેશભરના બાળકો અને યુવાઓ માટે પ્રેરણારૂપ દેવાંશીએ પાણી સાથેની મિત્રતા આગળ વધારતાં વર્ષ 2022થી સ્વિમિંગ કોચિંગની શરૂઆત કરી હતી. તેણે અત્યાર સુધી ચાર નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપ, દરિયાઈ તરણ સ્પર્ધા અને ખેલ મહાકુંભ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને 22 ગોલ્ડ, 3સિલ્વર અને 5બ્રોન્ઝ સાથે કુલ 30 મેડલ પોતાને નામ કર્યા છે.
સ્વિમિંગમાં બેક સ્ટ્રોકને પોતાની તાકત ગણાવતાં દેવાંશીએ કહ્યું કે, મને નાનપણથી જ પાણીમાં રમવું અને તરવું ગમતું હતું. પરંતુ મારા મામા કે જેઓ પોતે સ્વિમિંગ કોચ છે તેમને જોઈ અને તેમના મેડલ્સ જોઈને મને પણ સ્વિમિંગનું કોચિંગ લેવાની ઈચ્છા થઈ. સાથે જ મને જન્મથી જ ‘ક્લબ ફૂટ’ની શારીરિક ખોડ હોઇ, સ્વિમિંગ કરવાથી તેમાં સુધારો આવતો હોવાનું જાણવા મળ્યું હતું. એટલે વર્ષ 2022થી મેં કોચિંગ શરુ કર્યું. જેમાં મારી સારી સ્પીડ જોઇને મારા કોચ અને મામાએ સ્પર્ધા માટે તૈયારી કરવા પ્રોત્સાહન અને માર્ગદર્શન પણ આપ્યું. તેમજ ધી સોસાયટી ફોર ફિઝીકલી હેન્ડીકેપ્ડ-સુરત અને પેરા સ્પોર્ટ્સ એસોસિએશન-સુરતની મારી સંસ્થા અને તેના આંનદભાઈ શાહે હંમેશા મને અને મારા જેવા અન્ય બાળકોને રમત ગમતમાં આગળ વધવા પીઠબળ પૂરું પાડ્યું છે.
રમતમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે હું મારા કોચ રાજન સારંગના માર્ગદર્શન હેઠળ નિયમિત ચાર કલાક સ્વિમિંગનો અભ્યાસ કરું છું. સાથે જ રનીંગ અને એક્સરસાઈઝ તેમજ મારા ડાયેટનું પણ યોગ્ય ધ્યાન રાખું છું.
રમતની સાથે અભ્યાસમાં પણ રુચિ ધરાવતી દેવાંશીએ કહ્યું કે, રમત-ગમત સાથે અભ્યાસનું સંતુલન જાળવવું થોડુંમુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. મેં આજ સુધી ક્યારેય મારી કોઈ પણ સ્પર્ધા માટે અભ્યાસ છોડ્યો નથી. સાથે જ ઝરી ઉદ્યોગમાં કારીગર એવા માતા-પિતા પાસેથી મને સતત પ્રોત્સાહન મળતું રહ્યું છે.
તરણ સ્પર્ધામાં અનેક સિદ્ધિ પ્રાપ્ત કરનાર દેવાંશીને ગત વર્ષે ગુજરાત સ્થાપના દિવસે રાજ્યના મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલના હસ્તે ‘ગુજરાત ગરિમા’ અવોર્ડ મળ્યો હતો. યુવાઓ માટે પ્રેરણારૂપ દેવાંશી ભવિષ્યમાં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ગોલ્ડ મેડલ જીતવાનું લક્ષ્ય રાખે છે અને દરેકને પોતાના સપના સાકાર કરવા સખત મહેનત કરવાનો સંદેશો આપે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે