
સુરત, 18 જાન્યુઆરી (હિ.સ.): સુરત શહેરની BRTS જાહેર પરિવહન સેવામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા મુસાફરે નજીવી બાબતે ઉશ્કેરાઈને બસના ડ્રાઈવર પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને મામલો હવે પોલીસ તપાસ હેઠળ છે.
મળતી માહિતી મુજબ, વાય-જંકશનથી સુરત રેલવે સ્ટેશન તરફ જઈ રહેલી BRTS બસમાં મહિલા મુસાફરે અધવચ્ચે બસ રોકવાની માંગ કરી હતી. ડ્રાઈવરે નિયમ મુજબ બસ માત્ર નક્કી કરેલા સ્ટોપ પર જ ઊભી રહી શકે તેમ હોવાનું સમજાવ્યું હતું. આ બાબતે મહિલાએ ડ્રાઈવર સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને બસમાંથી ઉતરી ગઈ હતી.
પરંતુ આ વિવાદ ત્યાં જ અટક્યો નહોતો. બીજા દિવસે બસ વેસુ વિસ્તારમાં જે.એચ. અંબાણી સ્કૂલ પાસેના સ્ટોપ પર પહોંચતા જ તે મહિલા ફરી બસમાં ચડી હતી. કોઈ ભય વિના તે સીધી ડ્રાઈવરની કેબિનમાં ઘૂસી ગઈ અને ગઈકાલની વાતને લઈને ઝઘડો શરૂ કર્યો હતો. ગુસ્સામાં આવી મહિલાએ ડ્રાઈવરનો કોલર પકડીને તેને તમાચા માર્યા હતા અને ત્યારબાદ પોતાના હાથમાં રહેલા મોબાઈલથી તેના માથામાં પ્રહાર કર્યો હતો.
હુમલો એટલો ગંભીર હતો કે ડ્રાઈવરનું માથું ફાટી ગયું અને બસની અંદર લોહીના ટીપાં પડતા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટના બસમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ફૂટેજ સોશિયલ મીડિયા પર ફેલાતા જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવરને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. બાદમાં તેણે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે મહિલાની ઓળખ કરવામાં આવી રહી છે. સરકારી કર્મચારીની ફરજમાં અડચણ અને શારીરિક હુમલા બદલ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ ઘટનાને કારણે BRTSમાં મુસાફરી કરતા લોકો અને ડ્રાઈવરોમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ છે. મુસાફરોનું કહેવું છે કે જાહેર સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓ સાથે આવી હિંસા ક્યારેય સહન ન થવી જોઈએ અને દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
પરિવહન સમિતિના અધ્યક્ષ સોમનાથ મરાઠે જણાવ્યું હતું કે CCTVમાં મારામારી સ્પષ્ટ દેખાય છે. ડ્રાઈવરનું કહેવું છે કે મહિલા નિયમ વિરુદ્ધ બસ રોકવા દબાણ કરી રહી હતી. ફરજ પર રહેલા ડ્રાઈવર સાથે આવું વર્તન નિંદનીય છે. તપાસ બાદ જે પણ દોષિત ઠરશે, તેના સામે કડક પગલાં લેવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે