
નવસારી, 18 જાન્યુઆરી (હિ.સ.): ઉતરાયણનો તહેવાર પૂરો થઈ ગયા બાદ પણ શહેરના રસ્તાઓ પર પતંગની ધારદાર દોરીઓ જીવના જોખમ રૂપે લટકતી જોવા મળી રહી છે. આજે નવસારીમાં જિલ્લા કલેક્ટર કચેરી નજીક એક ચોંકાવનારો બનાવ બન્યો હતો, જેમાં બાઈક પર પસાર થઈ રહેલા યુવકને પતંગની દોરી વાગતાં ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, 25 વર્ષીય સાજન કનૈયાભાઈ જોગી પોતાની બાઈક પર કલેક્ટર કચેરી તરફથી પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન અચાનક રસ્તા પર લટકતી દોરી તેની ગરદનમાં આવી ફસાઈ. બાઈકની ઝડપ વધુ હોવાને કારણે દોરી ઝાટકે ખેંચાઈ ગઈ અને યુવકનું ગળું કપાઈ ગયું.
ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા અને ગંભીર હાલતમાં યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આ ઘટનાથી ફરી એકવાર ઉતરાયણ બાદ બાકી રહેલી ચાઇનીઝ તથા કાચ પાયેલી દોરીઓ કેટલું મોટું જોખમ ઊભું કરી શકે છે તે સ્પષ્ટ બન્યું છે.
ઉતરાયણને ચાર દિવસ વીતી ગયા છતાં શહેરમાં બાઈક અને અન્ય વાહનચાલકોને હજુ પણ ભય સાથે વાહન ચલાવવું પડી રહ્યું છે. સ્થાનિક નાગરિકો દ્વારા તંત્રને માંગ કરવામાં આવી રહી છે કે રસ્તાઓ પર લટકતી તમામ જોખમી દોરીઓ તાત્કાલિક દૂર કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી વધુ કોઈ દુર્ઘટના ટાળી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે