
અમરેલી, 19 જાન્યુઆરી (હિ.સ.) : ચલાલા (દાનેવ ધામ) નગરપાલિકામાં આજે મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર થયો છે. જયરાજભાઈ વાળાના ધર્મપત્ની ભૂમિબેન જયરાજભાઈ વાળા ને ચલાલા (દાનેવ ધામ) નગરપાલિકાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિમણૂક થતાં શહેરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
નવનિયુક્ત પ્રમુખ ભૂમિબેન વાળાએ આ જવાબદારી બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, શહેરના સર્વાંગી વિકાસ, સ્વચ્છતા, પીવાના પાણી, માર્ગ, સ્ટ્રીટલા અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવાનું તેમનું મુખ્ય લક્ષ્ય રહેશે. તેમણે પારદર્શક વહીવટ અને જનહિતને કેન્દ્રમાં રાખી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
ચલાલા (દાનેવ ધામ) નગરપાલિકામાં મહિલા નેતૃત્વને આગળ વધારતી આ નિમણૂકને સ્થાનિક નાગરિકો અને આગેવાનો દ્વારા આવકાર મળ્યો છે. લોકોનો વિશ્વાસ છે કે ભૂમિબેન વાળાની આગેવાની હેઠળ નગરપાલિકા વિસ્તારમાં વિકાસકાર્યોને નવી ગતિ મળશે.
આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો, પક્ષના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા શહેરના ગણમાન્ય નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની નિમણૂક શહેરના વિકાસ માટે એક નવી શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai