
ભાવનગર 6 માર્ચ (હિ.સ.)
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં પારદર્શિતા અને સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપતા પ્રથમ વખત મંડળ કચેરી કેન્ટીનના સંચાલન માટેનો કરાર ઈ-ઓક્શન (e-Auction) મોડ્યુલ દ્વારા સફળતાપૂર્વક આપવામાં આવ્યો છે. આ કરાર M/s Gayatri Enterprise, ભાવનગર ને 05 વર્ષ માટે આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ કરાર માટેની ઈ-ઓક્શન પ્રક્રિયા તા. 02 ફેબ્રુઆરી 2026 ના રોજ યોજાઈ હતી. ઈ-ઓક્શન દ્વારા આ કરાર ₹1,81,100 પ્રતિ વર્ષના લાયસન્સ ફી પર અંતિમરૂપે મંજૂર કરવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર કરાર અવધિ માટે કુલ કરાર રકમ ₹10,68,490 નક્કી કરવામાં આવી છે.
આ અનુસંધાને તા. 06 માર્ચ 2026 (શુક્રવાર) ના રોજ મંડળ રેલ પ્રબંધક, ભાવનગર દિનેશ વર્મા દ્વારા મંડળ કચેરી કેન્ટીનનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે અપર મંડળ રેલ પ્રબંધક શ્રી ઋત્વિક શર્મા તેમજ મંડળ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા.
આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધકે જણાવ્યું કે રેલવેમાં ઈ-ઓક્શન પ્રણાલી દ્વારા કરારોમાં પારદર્શિતા, સ્પર્ધાત્મકતા અને આવકમાં વૃદ્ધિ સુનિશ્ચિત થાય છે. સાથે સાથે કર્મચારીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પણ આ એક સકારાત્મક પગલું છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી ના જણાવ્યા મુજબ મંડળ કચેરીમાં નવી કેન્ટીન શરૂ થવાથી અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છ, ગુણવત્તાસભર તેમજ કિફાયતી ભોજન અને નાસ્તાની સુવિધા ઉપલબ્ધ થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ