
પાટણ, 06 માર્ચ (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના સેદ્રાણા ગામમાં ધુળેટી પર્વ દરમિયાન લોન્ડ્રી સંચાલક પર હુમલો થયાની ઘટના સામે આવી છે. અબુજી કોમ્પ્લેક્સમાં બનેલી આ ઘટનામાં વેપારી અબ્બાસઅલી રજબઅલી ઈબ્રાહીમભાઈને માથા અને ખભાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ મામલે કાકોશી પોલીસ સ્ટેશનમાં 6 નામજોગ અને 7 અજાણ્યા ઈસમો વિરુદ્ધ 5 માર્ચ, 2026ના રોજ ગુનો નોંધાયો છે.
માહિતી મુજબ અબ્બાસઅલી પોતાની લોન્ડ્રીની દુકાને હાજર હતા ત્યારે કેટલાક શખ્સો દારૂ પીને કોમ્પ્લેક્સમાં ધુળેટીનો તહેવાર ઉજવી રહ્યા હતા. દુકાનદારે તેમને કોમ્પ્લેક્સની બહાર જઈ તહેવાર ઉજવવા જણાવ્યું હતું, જેથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને ગાળો બોલી ઝપાઝપી શરૂ કરી હતી.
ત્યારબાદ આરોપીઓએ પાવડા, ખુરશી, દંતાળી, સેન્ટીંગના લાકડા અને લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો, જેમાં અબ્બાસઅલીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે આનંદજી રમેશજી ઠાકોર, દશરથજી ભુપતજી ઠાકોર, સિધ્ધરાજજી સુભાજી ઠાકોર, હિતેશજી વીરાજી ઠાકોર, કાળુજી લેબાજી ઠાકોર અને લાલાજી દશરથજી ઠાકોર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ