
પાટણ, 06 માર્ચ (હિ.સ.) : સિદ્ધપુરના ઈસમાઈલપુરા વિસ્તારમાં કચરો ફેંકવાની સામાન્ય બાબતે પડોશીઓ વચ્ચે થયેલી તકરાર હિંસક બની હતી. આ ઘટનામાં એક મહિલાને માર મારવામાં આવ્યો હતો. સિદ્ધપુર પોલીસે ઈકબાલભાઈ અકબરભાઈ પઠાણ, શકીલભાઈ અકબરભાઈ પઠાણ, પઠાણ ઈકબાલભાઈ અને રિયાઝભાઈ શકીલભાઈ પઠાણ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
ફરિયાદી નસીમબાનું અબ્દુલરઉફ પઠાણના જણાવ્યા મુજબ, 4 માર્ચ 2026ના રોજ ઈકબાલભાઈ અકબરભાઈ પઠાણે તેમના ઘરની આગળ કચરો ફેંક્યો હતો. તેમને કચરો ન ફેંકવા કહેતાં ઈકબાલભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. બાદમાં તેમણે લાકડી વડે નસીમબાનું પર હુમલો કર્યો હતો.
ઝઘડા દરમિયાન શકીલભાઈ અકબરભાઈ પઠાણ, પઠાણ ઈકબાલભાઈ અને રિયાઝભાઈ શકીલભાઈ પઠાણ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ચારેયે મળીને નસીમબાનુંને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ