




- પાનોલી પોલીસને પશુ કતલખાને લઈ જવા પરિવહન કરતા 80 ભેંસો સહિત 4 કન્ટેનર સોંપ્યા
ભરૂચ, 02 જાન્યુઆરી (હિ.સ.) : ભરૂચ જિલ્લાના પાનોલી વિસ્તારમાં એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યો અને પોલીસ દ્વારા સંયુક્ત ગેરકાયદેસર પશુ પરિવહન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. પાનોલી પોલીસ સ્ટેશનની ટીમે નેશનલ હાઈવે નં. 48 પર આવેલ સન્માન હોટલના કમ્પાઉન્ડમાંથી ચાર ટ્રક/કન્ટેનર ઝડપી પાડ્યા હતા, જેમાં 80 ભેંસો અને એક પાડો અત્યંત કુરતાપૂર્વક ભરેલા હાલતમાં મળી આવ્યા હતા.
ચીખલીના એનિમલ વેલ્ફેર બોર્ડના મહાવીર જૈન અને તેમની જીવદયાની ટીમે હાઈવે નંબર 48 ઉપર પાનોલીથી 4 કન્ટેનરમાં ખીચોખીચ ભરેલ મૂંગા પશુ કતલખાને જતા હતા .આ ચારેય કન્ટેનર સાથે તેના ડ્રાઈવરોને ઝડપી પાડી પાનોલી પોલીસ સ્ટેશનમાં કાયદેસર ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વરથી સુરત તરફ જતા માર્ગ પર ગેરકાયદેસર રીતે પશુઓનું પરિવહન કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પાનોલી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પંચોની હાજરીમાં ચાર વાહનોની તપાસ હાથ ધરી હતી.
ગાડી નંબર GJ 27 TT 6554,GJ 31 T 9401 ,GJ 27 TD 1414 અને GJ 01 KT 8530 આમ કુલ 4 ટ્રક કન્ટેનરની તપાસ દરમિયાન ભેંસોને ખીચોખીચ રીતે દોરડાથી બાંધી, ઘાસચારા અને પાણી વિના, શ્વાસ રૂંધાય તેવી સ્થિતિમાં રાખવામાં આવી હોવાની હકીકત બહાર આવી હતી . પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ પશુઓને ગેરકાયદેસર કતલખાને લઈ જવાના ઇરાદે પરિવહન કરવામાં આવી રહ્યા હતા.
પોલીસે ચાર વાહનો સહિત 3 તેના ડ્રાઈવરોને અટક કરી કુલ અંદાજે રૂ. 40.60 લાખની મુદ્દામાલ જપ્ત કરી છે. તમામ પશુઓને સલામત રીતે પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા. ઘટનાસ્થળ પરથી કેટલાક ડ્રાઈવરો અને ક્લીનરોને અટકાયત કરવામાં આવી હતા જ્યારે કેટલાક આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે પાનોલી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ