
પોરબંદર, 02 જાન્યુઆરી (હિ.સ.) : મિશન શક્તિ યોજના અંતર્ગત “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાનની ઉજવણીના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ સરકારી લેડી હોસ્પિટલ, પોરબંદર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત હોસ્પિટલમાં જન્મેલી કુલ 8 દીકરીઓને “બેટી બચાવો બેટી પઢાવો” યોજના હેઠળ દીકરી વધામણાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સરકારી લેડી હોસ્પિટલ, પોરબંદર ખાતે આજુબાજુના તમામ ગામો તેમજ નજીકના જિલ્લાઓમાંથી બહેનો પ્રસૂતિ માટે આવે છે. તે અંતર્ગત હોસ્પિટલ ખાતે જન્મેલી 8 દીકરીઓને વધામણાં કીટ સાથે સાથે “વ્હાલી દીકરી યોજના”ના ફોર્મ પણ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા “નમો શ્રી યોજના” અંગે સગર્ભા બહેનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને વધુમાં વધુ બહેનો યોજનાકીય લાભ મેળવે તે હેતુથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત યોજનાકીય પેમ્પ્લેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સંકલ્પ DHEWના કર્મચારી સંધ્યાબેન જોષી, પ્રિયાબેન લીલા તેમજ OSCના કર્મચારી રાજીબેન સોલંકી ઉપસ્થિત રહી કીટ વિતરણમાં સહભાગી બન્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા દીકરીના જન્મને પ્રોત્સાહન આપી સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya