
પોરબંદર, 02 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) યોજનાના અંતર્ગત પોરબંદર તાલુકાના કાંટેલા ગામમાં ખેડૂત ભાઈઓ માટે જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ ઘટકની કામગીરી યોજાઈ હતી. આ કાર્યક્રમ પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન આસિસ્ટન્ટ ટીમ મેનેજર ભરત ગોસ્વામીએ ખેડૂત ભાઈઓને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાની આવશ્યકતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સંજોગોમાં પ્રાકૃતિક ખેતી માત્ર વિકલ્પ નહીં પરંતુ તાતી જરૂરિયાત બની ગઈ છે, જેનાથી જમીનની ઉપજાઉ બને છે તેમજ ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે.
આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જીવામૃત, ઘન જીવામૃત, અચ્છાદન (મલ્ચિંગ), મિશ્ર પાક પદ્ધતિ તેમજ પ્રાકૃતિક અસ્ત્રો તરીકે અગ્નિઅસ્ત્ર, નીમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્રના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે રવિ પાકોમાં પિયત તથા બિન પિયત ચણા પાક સફળતાપૂર્વક કેવી રીતે લઈ શકાય તે અંગે પણ ખેડૂત ભાઈઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya