
પાટણ, 02 જાન્યુઆરી (હિ.સ.) : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિષ્ણુ પટેલે પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામની ફિલ્ડ વિઝીટ કરી હતી. તેમણે આયુષ્માન આરોગ્ય મંદિરની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું તેમજ બાજુમાં નવનિર્મિત થનારા નવા મકાનની જગ્યાનું પણ નિરીક્ષણ કર્યું.
નવા આયુષ્માન આરોગ્ય મંદિર માટેના સ્થળ નિરીક્ષણ દરમિયાન ડો. પટેલે તાલુકા હેલ્થ ઓફિસર અલકેશ સોહેલ સાથે ચર્ચા કરી અને કામ ઝડપથી શરૂ થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
આ દરમિયાન તેમણે ગામમાં છ દિવસ અગાઉ જન્મેલા ઓછા વજનવાળા બાળકના માતા-પિતાને સિવિલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત પાસે તપાસ કરાવવા સમજાવ્યા હતા. સાથે જ આરોગ્ય કેન્દ્રમાં આવેલી સગર્ભા તથા અન્ય મહિલાઓને નિયમિત આરોગ્ય તપાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ડો. પટેલે વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ વિશે માહિતી આપી હતી. મુલાકાત દરમિયાન સીએચઓ મમતાબેન, આરોગ્ય કાર્યકર સરોજબેન, મહેશ પ્રજાપતિ તથા આશા કાર્યકરો સહિત આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ