
ગીર સોમનાથ, 2 જાન્યુઆરી (હિ.સ.) : સુત્રાપાડામાં પોલીસ તથા આર્મી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ગ્રાઉન્ડનો અભાવ બદલ યુવાનો દ્વારા ચીફ ઓફિસર અને મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. સુત્રાપાડા મુકામે પોલીસ ભરતી તથા આર્મીની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે જરૂરી દોડ અને ફિઝિકલ/પ્રેક્ટિકલ પ્રેક્ટિસ માટે યોગ્ય ગ્રાઉન્ડ ઉપલબ્ધ ન હોવાના કારણે સ્થાનિક યુવાનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
રાજ્યના અનેક ગામો અને તાલુકાઓમાં પોલીસ તથા આર્મી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ગ્રાઉન્ડ ફાળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના મહત્વપૂર્ણ તાલુકા મથક એવા સુત્રાપાડામાં આજદિન સુધી આવું કોઈ ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું નથી, જે દુર્ભાગ્યજનક છે. સુત્રાપાડા તાલુકાના ઉપલાપાડા સહિતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાઓ પોલીસ તથા આર્મીની ભરતીની તૈયારી કરી રહ્યા છે, પરંતુ દોડ, ફિઝિકલ ટ્રેનિંગ તથા અન્ય પ્રેક્ટિકલ તૈયારી માટે યોગ્ય સ્થળના અભાવે ઉમેદવારોને જાહેર રસ્તાઓ, ખાલી પ્લોટો અથવા દૂરના ગામોમાં જવા મજબૂર થવું પડે છે. તેમજ સમય અને સંસાધનોનો પણ વ્યર્થ ખર્ચ થાય છે.
આ ગંભીર સમસ્યા અંગે સુત્રાપાડા નગરપાલિકાના ચીફ ઓફિસર વતી નગરપાલિકાના પ્રમુખ મનોહરસિંહ બારડ તેમજ સુત્રાપાડા મામલતદાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં હાલ સુધી કોઈ નક્કર કાર્યવાહી કે ગ્રાઉન્ડ ફાળવવાની સ્પષ્ટ જાહેરાત કરવામાં ન આવતા ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ