
જામનગર, 02 જાન્યુઆરી (હિ.સ.) : જામનગરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પાંચ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ પાંચ લોકોમાં બે પુરુષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે, જેઓ શહેરની પટેલ કોલોનીમાં ભાડે મકાન રાખીને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા.
પોલીસ તપાસ દરમિયાન, પકડાયેલા બાંગ્લાદેશીઓ પાસેથી પશ્ચિમ બંગાળના આધાર કાર્ડ પણ મળી આવ્યા છે. આ નાગરિકો ભારતમાં પ્રવેશ કરવા માટે જરૂરી પાસપોર્ટ, વિઝા કે ભારત સરકારની કોઈ પૂર્વ મંજૂરી વગર રહેતા હોવાનું સામે આવ્યું છે. SOGએ તમામ વિરુદ્ધ પાસપોર્ટ ધારા ભંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, ગેરકાયદેસર નાગરિકોને મકાન ભાડે આપનાર મકાન માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિકોના નામ શાહબુદિન મોહમદ ગૌસ શેખ, મહમદઆરીફ મુઝીબર શેખ, જમીલા બેગમ અનારદિ શેખ, નઝમા બેગમ અબ્દુલહકીમ હાઉલડર અને મુર્સીદા બેગમ મહમદ આરીફ મુઝીબર શેખ છે.
જામનગર જિલ્લો સરહદી અને લાંબો દરિયાકિનારો ધરાવતો હોવાથી અત્યંત સંવેદનશીલ ગણાય છે. જિલ્લામાં મોટી ઓઈલ રિફાઈનરી કંપનીઓ પણ આવેલી છે, જેના કારણે તેની સુરક્ષા પડકારજનક છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે ઘૂસણખોરી કરીને દેશમાં પ્રવેશ કરી અસામાજિક અને દેશવિરોધી પ્રવૃત્તિઓના બનાવો બન્યા છે. આ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, જામનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા અને દેશવિરોધી પ્રવૃત્તિ કરતા ઈસમોને શોધી કાઢવા માટે અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. હાલમાં દેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી વસવાટ કરતા આવા ઈસમોને શોધી કાઢવા SOG દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ ઝુંબેશ અંતર્ગત, SOGના PI બી.એન. ચૌધરી, PSI એલ.એમ. ઝેર અને PSI એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ SOG સ્ટાફ જામનગર શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન PSI એ.વી. ખેર અને પોલીસ કોન્સ્ટેબલ ફુલદીપસિંહ સોઢાને બાતમી મળી હતી.
બાતમીના આધારે, જામનગરની પટેલ કોલોની, શેરી નંબર-11, સ્વસ્તિક માર્બલ સામે આવેલા ગુલામમયુદિન અબ્દુલકરીમખાન ગાગદાણીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં પાંચ બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા મળી આવ્યા હતા, જેમની અટકાયત કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt