
વલસાડ, 02 જાન્યુઆરી (હિ.સ.): વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં તા. 16 થી 25 ડિસેમ્બર 2025ના દિવસો દરમિયાન કુલ સાત ગામોમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ હતી. બોરલાઈ, બોરીગામ, જંબુરી, કનાડુ, ફણસા, મમકવાડા અને સરઈ સહિતના સાત ગામોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા સઘન પ્રયાસ કરાયો છે.
આત્મા પ્રોજેક્ટના એગ્રિ આસિસ્ટન્ટ પૂજા પટેલ દ્વારા ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન ગામે ગામ આપવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી એ ધરતીના સ્વાસ્થ્ય માટે કરવામાં આવી રહેલો એક સામૂહિક પ્રયત્ન છે આ ખેતી પદ્ધતિ ગાય આધારિત છે. જેમાં ખેતી પાકો માટે જરૂરી બધા જ પોષક તત્વોની જરૂરિયાત પૂરી પડી જાય છે એવી સમજ આપવામાં આવી હતી. તેમણે ખેડૂતોને સંબોધીને વધુમાં જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીનો પહેલો નિયમ જ એ છે કે, છોડનું નહિ પણ જમીનનું સ્વાસ્થ્ય મજબૂત કરો. જમીન સ્વસ્થ થતા જ છોડ આપ મેળે સ્વસ્થ થઈ જાય છે. સાથે સાથે પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયામોનો ઉપયોગ કરવાની માહિતી પણ આપવામાં આવી હતી. પાકને વધારવા અને ઉત્પાદન લેવા માટે જે સંસાધનોની જરૂર હોય તે બધા જ ઘરમાં જ ઉપલબ્ધ કરાવવા, કોઈ પણ સંજોગોમાં બજારમાંથી ખરીદીને ન લાવવા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે