
મહેસાણા,20 જાન્યુઆરી (હિ.સ.)
મહેસાણા તાલુકાના આંબલિયાસણ સ્ટેશન વિસ્તારમાં નવી ગટર લાઇન નાખવાની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. મહાદેવના મંદિર નજીક ખોદવામાં આવેલ ખાડો સેફ્ટી બેરીકેટ, ટેપ કે અન્ય કોઈ સુરક્ષા વ્યવસ્થા વિના ખુલ્લો રાખવામાં આવ્યો હતો, જેના કારણે એક આખલો તેમાં પડી ગયો હતો. ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
મંદિરના પૂજારી કૌશલભાઈ ગુરુએ સોશિયલ મીડિયાના માધ્યમથી તાત્કાલિક મદદની અપીલ કરતા જ સ્થાનિક સરપંચે સંજ્ઞાન લઈ કોન્ટ્રાક્ટરને તુરંત સૂચના આપી હતી. ત્યારબાદ જેસીબી મશીનની મદદથી આખલાને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. આખલાના રેસ્ક્યુ બાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સ્થાનિકોનું કહેવું છે કે આ સ્થળે અગાઉ પણ સુરક્ષા વિના ખાડો ખુલ્લો રાખવાના કારણે એક મહિલા પડી ગઈ હતી, જે હાલ સારવાર હેઠળ છે. સતત બનતી ઘટનાઓને કારણે નાગરિકોમાં રોષ ફેલાયો છે. લોકોની માંગ છે કે જાહેર માર્ગો પર ચાલતી વિકાસ કામગીરી દરમિયાન ફરજિયાત સુરક્ષા વ્યવસ્થાઓ રાખવામાં આવે અને બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
આ ઘટનાએ વિકાસ કામોમાં સલામતીના નિયમોની અમલવારી પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR