
સુરત, 20 જાન્યુઆરી (હિ.સ.)-સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આજે એક ચાલુ લક્ઝુરિયસ કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ખટોદરા કોમ્યુનિટી હોલ પાસે આવેલા ચોસઠ જોગણી માતા મંદિર રોડ પરથી પસાર થઈ રહેલી અંદાજે 60 લાખ રૂપિયાની ‘કિયા કાર્નિવલ’ કારમાં અચાનક આગ ફાટી નીકળતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, કાર રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેના આગળના બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. ડ્રાઈવર કંઈ સમજે તે પહેલાં જ આગ વિકરાળ બની ગઈ હતી. સમયસૂચકતા દાખવી ડ્રાઈવરે તરત જ કાર બહાર આવી પોતાનો જીવ બચાવ્યો હતો.
આગ લાગતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પોતાના સ્તરે ફાયર એક્સટિંગ્યુશરની મદદથી આગ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ ગણતરીની મિનિટોમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેથી વધુ નુકસાન ટળ્યું હતું.
આ ભીષણ આગમાં મોંઘીદાટ કિયા કાર્નિવલ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. સદનસીબે, કારમાં સવાર તમામ લોકો સમયસર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ નથી.
કારમાં આગ લાગવાના ચોક્કસ કારણો હજુ સુધી જાણી શકાયા નથી. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ કારણભૂત હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે