
વડોદરા, 20 જાન્યુઆરી (હિ.સ.)-વડોદરા મંડળની ઓપરેટિંગ વિભાગની ટીમે ડીઆરએમ કપ 2026 ક્રિકેટ ટૂર્નામેન્ટ જીત્યો છે. પ્રતાપનગર સ્થિત માધવ રાવ સિંધિયા સ્ટેડિયમમાં રમાયેલા ફાઇનલ મેચમાં ઓપરેટિંગ વિભાગની ટીમે શાનદાર પ્રદર્શન કરતા વિદ્યુત વિભાગની ટીમને 7 વિકેટે હરાવી ડીઆરએમ કપ પર કબજો કર્યો.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ જાહેર કરેલી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, 08 જાન્યુઆરી 2026થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન આયોજિત આ ટૂર્નામેન્ટમાં વડોદરા મંડળના વિવિધ વિભાગોની કુલ 16 ટીમોએ ખેલ ભાવના સાથે ભાગ લીધો હતો. સ્પર્ધાની ફાઇનલ મેચ વિદ્યુત (ટ્રેક્શન) વિભાગ અને ઓપરેટિંગ વિભાગની ટીમો વચ્ચે રમાઈ હતો, જેમાં ઓપરેટિંગ વિભાગની ટીમે ઉત્તમ પ્રદર્શન સાથે વિજય મેળવી “ડીઆરએમ ટ્રોફી–2026”ની ચેમ્પિયન બની.
વડોદરા મંડળના મંડલ રેલ પ્રબંધક તથા વડોદરા મંડળ ખેલકુદ સંઘના અધ્યક્ષ રાજૂ ભડકે દ્વારા વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત, ટૂર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મોમેન્ટો અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંડલ રેલ પ્રબંધક રાજૂ ભડકે તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે રેલ કર્મચારીઓએ પોતાની ફરજ સાથે સાથે રમતગમત પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભાગ લેવો જોઈએ, જેથી તેઓ સ્વસ્થ અને ઊર્જાવાન રહી શકે.
આ સ્પર્ધામાં સુરક્ષા વિભાગના મીઠાભાઈને બેસ્ટ બોલર તથા ઓપરેટિંગ વિભાગના મહેન્દ્ર દેસાઈને બેસ્ટ બેટ્સમેનનો ખિતાબ મળ્યો હતો. ઓપરેટિંગ વિભાગના કાર્તિકને મેન ઑફ ધ સિરીઝનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
મંડલ રેલ પ્રબંધક રાજૂ ભડકેના માર્ગદર્શન હેઠળ વીડીએસએ દ્વારા આ ટૂર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અપર મંડલ રેલ પ્રબંધક નીરજ ધમીજા, વીડીએસએના સચિવ પ્રદીપ મીણા તેમજ વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેલાડીઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે