
પાટણ, 20 જાન્યુઆરી (હિ.સ.) સિદ્ધપુર તાલુકાના લાલપુર ગામના ઇન્દિરાનગર વિસ્તારમાં ગઈકાલે એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 42 વર્ષીય ભવાનજી ઉર્ફે ગોબરજી લાલાજી તેજાજી ઠાકોરનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભવાનજી ઠાકોર કોઈ અજ્ઞાત કારણોસર વીજળીના થાંભલા પર ચઢી રહ્યા હતા. તે દરમિયાન તેઓ જીવંત વીજ લાઈનના સંપર્કમાં આવતા જોરદાર કરંટ લાગ્યો હતો, જેના કારણે ગંભીર ઇજાઓ થવાથી તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
આ ઘટનાની જાણ મુકેશજી લાલાજી ઠાકોરે સિદ્ધપુર પોલીસ મથકે કરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાની વધુ તપાસ એ.એસ.આઈ. ભરતસિંહ રહેવર અને પી.એસ.આઈ. જે.આર. શુક્લા કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ