

પાટણ, 20 જાન્યુઆરી (હિ.સ.)પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ખાતે 20 અને 21 જાન્યુઆરીના રોજ બે દિવસીય આંતર કોલેજ યુવા મહોત્સવ ‘કલ્પવૃક્ષ’નું આયોજન થયું છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની 132 કોલેજોમાંથી 1500થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં 992 યુવતીઓની નોંધણી થઈ છે.
યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાયેલા મહોત્સવનું ઉદ્ઘાટન NCSCના ચેરપર્સન કિશોર મકવાણાના હસ્તે થયું. કાર્યક્રમમાં કુલપતિ પ્રોફેસર કિશોર પોરિયા, રજિસ્ટ્રાર આર.એન.દેસાઈ, લોકગાયક સાગર પટેલ અને યોગીરાજ રૂખડનાથજી મહારાજ હાજર રહ્યા હતા.
ઉદ્ઘાટન પ્રવચનમાં કિશોર મકવાણાએ યુવાનોને દેશની સાચી સંપત્તિ ગણાવી ‘વિકસિત ભારત@2047’ માટે કલા-સંસ્કૃતિની ભૂમિકા ઉપર ભાર મૂક્યો. કુલપતિ કિશોર પોરિયાએ વિદ્યાર્થીઓને વિવેકાનંદ અને બાબાસાહેબ આંબેડકરના મૂલ્યો અપનાવવાનું આહવાન કર્યું.
મહોત્સવમાં લોકગાયક સાગર પટેલની શિવભક્તિ પ્રસ્તુતિ ખાસ આકર્ષણ બની. સંગીત, નાટ્ય અને નૃત્ય સહિત 23 સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જેમાં યુવતીઓની બમણી ભાગીદારી બદલાતી સામાજિક માનસિકતાનું પ્રતિબિંબ દર્શાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ