
પોરબંદર, 21 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં આવેલી 1.42 કરોડની કિંમતની જમીન મામલે માથાભારે શખ્સોએ પોતાના અંગત લાભ માટે છેતરપિંડી કરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે થોડા સમય પહેલા ખાપટની જ મહિલાએ સોશ્યલ મીડિયામાં વિડિયો વાયરલ કરી મદદ માંગી હતી. હાલ આ મામલે 7 શખ્સો સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોરબંદરના ખાપટ વિસ્તારમાં નાયરા પેટ્રોલપંપ પાછળ રહેતા રાંભીબેન વેજાભાઈ ભુવા નામની 50 વર્ષીય મહિલાએ થોડા સમય પહેલા સોશ્યલ મીડીયમાં વિડીયો વાયરલ કરીને કેટલાક માથાભારે શખ્સો અને બિલ્ડરો વિરુદ્ધ આક્ષેપો કરી પતિની જમીન વારસાઈ કરાવવાના બહાને વહેંચી નાખી તેના રૂપિયા ઉપાડી લઈ ધાક ધમકી આપતા હોવાનું જણાવી મદદ માંગી હતી તેમજ જે-તે સમયે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ બારામાં અરજી કરવામાં આવી હતી. બાદ ઉદ્યોગનગર પોલીસે તટસ્થ તપાસ કરી હતી. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ પણ તટસ્થ તપાસના આદેશ આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. બાદ ગત તા. 19 જાન્યુઆરીના રોજ રાત્રીના 12:45 કલાકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પતિ વેજાભાઈ કાનાભાઈ ભુવાના દાદા હીરાભાઈ ભુવાની ખાપટ ગામે 25 વીઘા જમીન હતી એ જમીનમાંથી અડધો હિસો રાંભીબેનના ભાગે આવતો હતો એ જમીનમાંથી જે ઉપજ થતી તેમાંથી થોડો ઘણો હિસ્સો રાંભીબેનના પતિને આપતા હતા પરંતુ કૌટુંબિક ભત્રીજાઓ સાથે જમીનના ભાગ બાબતે મનદુઃખ થતા ઝગડો ચાલ્યો આવતો હતો. વર્ષ 2013 માં રાંભીબેનના પતિ વેજા કાના ભુવાને શ્રવણ ચોકમાં રહેતા લાખા અરજન કેશવાલા નામના દલાલીનો ધંધો કરતા ઈસમે બોલાવ્યો હતો અને તમારા કૌટુંબિક ભાઈઓ વચ્ચે જમીન બાબતે મનદુઃખ ચાલે છે તેમાં તમારી જમીન હું તમને પાછી અપાવી દઈશ અને જમીનની વારસાઈ તમારા નામે કરાવી આપવાની વાત કરી લાખા કેશવાલા સાથે વેજા ભુવાની વાત થઈ હતી. બાદ લાખો કલેક્ટર ઓફિસે પણ ત્રણ વખત લઇ ગયો હતો. જમીનના વારસાઇના નામે સહીઓ કરાવી.
લાખા કેશવાલા નામના શખ્સે વેજા ભુવા પાસે અલગ અલગ કાગળોમાં સહીઓ કરાવી એમ જણાવ્યું હતું કે, તમારી જમીનના વારસાઈના કાગળોમાં સહી કરાવી છે. તમારી માલિકીની જમીન તમારા નામે થઈ જશે. પરંતુ વેજાભાઈ અભણ હોવાથી કાગળમાં શું લખ્યું હતું તે જાણ ન હોવાથી અને ત્રણ થી ચાર વર્ષ સુધી ફરિયાદી રાંભીબેનના પતિ વેજાને વકીલો પાસે સહી કરાવવા લઇ જતા હતા. વર્ષ 2026 સુધી કૌટુંબિક ભત્રીજાઓએ જમીનનો હિસ્સો નહિ આપતા જમીન મળી ન હતી એ દરમિયાન તેના પતિએ એવી વાત કરી હતી કે, જમીનની માપણી કરાવવા માટે લાખાએ તેના જાણીતા અને માથાભારે વજસી આલા ઓડેદરા ઉર્ફે વજસી મામા અને સરપંચ તરીકે જાણીતો રાજો મેર અને ખાપટમાં રહેતા ઈબ્રાહિમ લાખાને વાડીએ બોલાવ્યા હતા અને ભત્રીજાઓ કશું બોલે નહિ તે માટે આ લોકોએ મળીને જમીનના ભાગ પાડી દીધા હોવાની વાત કરી હતી. જમીનનો કબ્જો નહિ મળતા ફરિયાદી રાંભીબેને લાખાને પૂછતા એવું કહ્યું હતું કે, આ બધા કાગળો તૈયાર થાય છે. થોડા સમયમાં તમારા નામે જમીન થઈ જશે. આ પ્રકારે થોડા દિવસો સુધી બહાના કાઢ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ રાંભીબેનના પતિ વેજાભાઈની માલિકીની જમીન કિશોર આંત્રોલીયા અને આયુષ વિરામ કારાવદરાને વંહેચી નાખી છે તેમ જાણવા મળતા તેઓ ચોકી ઉઠ્યા હતા. તેઓ લાખા કેશવાલાના બોખીરામાં આવેલા ઘરે ગયા હતા પરંતુ તે હાજર મળ્યો ન હતો. તે દરમિયાન લાખો તેનું મકાન ખાલી કરી રાતડી ચાલ્યો ગયો હોવાની માહિતી મળી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ રાંભીબેન તથા વેજાભાઈ બંને દંપતી નોટિસ લઈને તેમના જમીનના કાગળોની નકલ કલેક્ટર ઓફિસમાંથી મેળવી હતી જેમાં એવું જાણવા મળ્યું હતું કે, તેમની સાડા ત્રણ વિધા જમીન 1,42,50,000 માં વહેંચી નાખી હોવાના દસ્તાવેજ કર્યા છે. જેથી ફરિયાદી અને તેના પતિએ જે-તે સમયે વકીલોને એવું કહ્યું હતું કે, જમીન અમારા કુટુંબી દીકરાના ભાઈઓ પાસેથી પાછી મેળવવાની હતી પરંતુ લખતા વાંચતા નહિ આવડતું હોવાથી દલાલ લાખા કેશવાલાના જણાવ્યા મુજબ સહીઓ કરી આપી હતી. બાદ દંપતીએ વાંધા અરજી દાખલ કરી અરજીઓ મેળવી હતી જેમાં જાણવા મળ્યું કે, તેઓની જમીન વંહેચી નાખવામાં આવી છે અને તેના પૈસા પણ મળી ગયેલ છે. તેવું લેખિતમાં બહાર આવતા દંપતી ચોકી ઉઠ્યા હતા.
*માથાભારે શખ્સો સામે ઉદ્યોગનગર પોલીસે નોંધ્યો ગુનો*
રાંભીબેનના પતિએ જમીન વંહેચી નહિ હોવા છતાં વિશ્વાસઘાત કરી સાત ઈસમોએ કાવતરું કરી જમીન પચાવી પાડવા અને લાખાએ જમીનમાં ભાગ આપવાનો વિશ્વાસ આપી સહીઓ કરાવી 1.42 કરોડની છેતરપિંડી કરતા અંતે ઉદ્યોગનગર પોલીસે ગુનો દાખલ કર્યો છે. જેમાં બોખીરા શ્રવણ ચોકમાં રહેતા લાખા અરજન કેશવાલા, રાજો મેર, બિલ્ડરના વ્યવસાય સાથે સંકળાયેલ કિશોર હાજા અંત્રોલીયા, આયુષ વિરમ કારાવદરા ઉપરાંત શ્રવણ ચોકમાં રહેતા અને રાજકીય નેતાના વિશ્વાસુ તરીકે કામ કરનાર વજસી આલા ઓડેદરા ઉર્ફે વજસી મામા તેમજ ખાપટના ઇબ્રાહિમ લાખા સામે ગુનો દાખલ થતા પોરબંદરમાં ખળભળાટ મચ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya