
પોરબંદર, 21 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદરમાં સોની વેપારી સામે 1 કરોડ 35 લાખની છેતરપીંડીનો ગુન્હો નોંધાયો છે જેમાં કુલ 19 લોકો સાથે છેતરપીંડી થયાનું બહાર આવ્યુ છે.
પોરબંદરના નરસંગ ટેકરી પાસે આવેલ શુભમ રેસીડેન્સીમાં રહેતા અને સોનીબજારમા શક્તિ જવલેર્સ નામની દુકાન ધરાવતા મેહુલ શ્યામભાઇ લોઢીયાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે છેલ્લા 15 વર્ષથી દુકાનમાં દાગીના બનાવવાનો અને લે-વેચનો વેપાર કરે છે અને ગાયવાડી વિસ્તારમા દેનાબેન્ક વાળી ગલીમાં પરમેશ્વર જવેલર્સ નામની દુકાન ચલાવતા તથા બોખીરાના વાછરાડાડાના મંદિર પાછળ રહેતા વિશાલ વિનોદરાય ગેડીયા કે જેને પાંચ વર્ષથી તે ઓળખે છે. તેની સાથે સોનાના દાગીના લે-વેચનો ધંધાકીયા વ્યવહાર હતો. જેથી વિશાલ અવારનવાર ફરીયાદીની દુકાને આવીને દર દાગીના લઇ જતો તથા દાગીના બનાવવા માટે ઓર્ડર પણ આપતો હતો, જેથી તેની સાથે ઘરેણા જોવા આપવા માટેનો પણ વહેવાર હતો અને એ જ રીતે સોની બજારમાં ઘણા વેપારીઓ સાથે વિશાલ ગેડીયાને વહેવાર હતો. જેથી ફરિયાદી અને અન્ય સોની વેપારીઓ તેમજ પોરબંદર જિલ્લાના અન્ય ગ્રાહકો પાસેથી સોનુ, ચાંદી અને રોકડ રૂપિયા લઇ ગયા બાદ હજુ સુધી પરત આપ્યા નથી. તા.1-6-2025 થી તા. 3-1-2026 સુધીમાં 1 કરોડ ૩૫ લાખ 40 હજાર 179 ની કિંમતના દાગીના અને રોકડ રૂપિયા મળી લઇ ગયા. બાદ આ મુદ્દામાલ લઇને બીજી કોઇ જગ્યાએ જામીનગીરી તરીકે મૂકી એ રકમ ઉપર માતબર રકમનું ધીરાણ મેળવીને એ રકમ પોતાના અંગત ઉયપોગમાં લઇ સગેવગે કરતા અંતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે કીર્તિમંદિર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya