
- વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન.
મહેસાણા, 21 જાન્યુઆરી (હિ.સ.) : શ્રીમતી સી. સી. મહિલા આર્ટ્સ અને શેઠ સી. એન. કોમર્સ કોલેજ, વિસનગર ખાતે વિસનગર શહેર પોલીસ દ્વારા સાયબર સુરક્ષા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને હાલ વધી રહેલા સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરવો અને ડિજિટલ દુનિયામાં સુરક્ષિત રહેવા માટે જરૂરી માહિતી આપવાનો હતો. સેમિનાર દરમિયાન પોલીસ અધિકારીઓએ ઓનલાઈન ફ્રોડ, સોશિયલ મીડિયા હેકિંગ, ફેક લિંક્સ, OTP અને બેંકિંગ ફ્રોડ, સાયબર બ્લેકમેઇલિંગ તથા ઓળખ ચોરી જેવા ગુનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ વિદ્યાર્થીઓને અજાણ્યા લિંક્સ પર ક્લિક ન કરવા, વ્યક્તિગત માહિતી જાહેર ન કરવા, મજબૂત પાસવર્ડ રાખવા અને કોઈ શંકાસ્પદ ઘટના બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા સાયબર ક્રાઇમની ફરિયાદ કેવી રીતે કરવી, 1930 હેલ્પલાઇન નંબરનો ઉપયોગ, તેમજ સાયબર ક્રાઇમ પોર્ટલ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા, જેના યોગ્ય જવાબ પોલીસ અધિકારીઓએ આપ્યા હતા. કોલેજના સંચાલન અને પ્રાધ્યાપકમંડળે આવા જાગૃતિ કાર્યક્રમને વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી ગણાવ્યો હતો. આ સેમિનારથી વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા અંગે સમજ વધશે અને તેઓ ડિજિટલ પ્લેટફોર્મનો વધુ જવાબદારીપૂર્વક ઉપયોગ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR