
સુરત, 21 જાન્યુઆરી (હિ.સ.) : વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા કેન્દ્રિય વિદ્યાલય ક્રમાંક–3, ઓએનજીસી સુરત ખાતે હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ‘બાલ મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઓએનજીસી હજિરા પ્લાન્ટ, સુરતની પ્રથમ મહિલા મતી તનુજા બલૌદી ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ અતિથિ તરીકે કેન્દ્રિય વિદ્યાલય કૃભકો સુરતના પ્રાચાર્ય મહેન્દ્રસિંહ તથા કેન્દ્રિય વિદ્યાલય ઇચ્છાનાથ સુરતના પ્રાચાર્ય એસ.બી. યાદવે કાર્યક્રમને ગૌરવભેર ઉપસ્થિતિ આપી હતી.
શાળાના પ્રાચાર્ય રાજેશ કુમારે અતિથિઓનું સ્વાગત કરતા બાલમેળાની મહત્તા વિષે પ્રકાશ પાડ્યો હતો. મુખ્ય અતિથિ મતી તનુજા બલૌદીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે આવા સર્જનાત્મક કાર્યક્રમો બાળકોમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને વ્યવસાયિક કુશળતાઓ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમના હસ્તે બાલમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
બાલમેળામાં વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ સ્ટોલ, ગેમ્સ તેમજ આર્ટ એન્ડ ક્રાફ્ટના વિવિધ આકર્ષક સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ સ્ટોલો દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા, ઉદ્યોગસાહસિક દૃષ્ટિ અને ટીમવર્કનું સુંદર પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓ તેમજ અતિથિઓએ ઉત્સાહપૂર્વક મેલાની મુલાકાત લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે