
મહેસાણા, 21 જાન્યુઆરી (હિ.સ.) : આજરોજ રાજ્યસભા સાંસદ મયંકભાઇ નાયક દ્વારા ગોઝારિયા ગામની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, સદસ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે સૌજન્ય મુલાકાત અને સંવાદ યોજાયો હતો. મુલાકાત દરમિયાન ગામમાં ચાલી રહેલા વિકાસના કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી. માર્ગ, પાણી પુરવઠા, સ્વચ્છતા, પર્યાવરણ અને અન્ય મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવા અંગે ગ્રામજનોના સૂચનો સાંભળવામાં આવ્યા હતા. સાંસદએ ગામના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો યોગ્ય લાભ મળે તે માટે સહકાર આપવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે ગોઝારિયા ગામમાં સ્વચ્છતા કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે માનનીય સાંસદશ્રી દ્વારા ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવી. આ ટ્રેક્ટર દ્વારા કચરા સંકલન, સફાઈ અને અન્ય સ્વચ્છતા સંબંધિત કામગીરીમાં સહાય મળશે, જેના કારણે ગામની સ્વચ્છતા વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે. ગામ વતી ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ આ મહત્વપૂર્ણ સહાય બદલ માનનીય સાંસદનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ મુલાકાતથી ગોઝારિયા ગામના વિકાસ અને સ્વચ્છતા અભિયાનને નવી પ્રેરણા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR