

ગાંધીનગર, 04 જાન્યુઆરી (હિ.સ.) : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઈન્ફોસિટી, ચ-૦ ગાર્ડન ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બે કેટેગરીમાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો.પ્રથમ કેટેગરીમાં ધોરણ ૬થી ૮ના બાળકો તથા દ્વિતીય કેટેગરીમાં ધોરણ ૯થી ૧૨ ના વિદ્યાર્થીઓએ મળી કુલ ૧૨૪ વિધાર્થીઓએ ભાગ લીધો હતો.જેમનું આયોજન બદ્ધ રીતે ઓનલાઇન રજીસ્ટ્રેશન પહેલાથી જ કરવામાં આવ્યું હતું. આ પ્રતિયોગિતામાં સ્વચ્છતા નો આગ્રહ રાખતી થીમ આપવામાં આવી હતી.જેમાં લીલા અને ભૂરા ડસ્ટબિનનો ઉપયોગ (ભીનો અને સૂકો કચરો),સ્વચ્છ શાળા, સ્વચ્છ ઘર, સ્વચ્છ શહેર,3R-રીયુસ, રીયુઝ, રીસાયકલ (Reduce, Reuse, Recycle), પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો,સ્વચ્છતા જાળવવામાં બાળકોની ભૂમિકા,ઘરેથી/ શાળાથી કચરાનું વર્ગીકરણ- સૂકો કચરો/ઘરેલુ જોખમી કચરો/સેનેટરી કચરો વગેરે જેવા વિષયો ચિત્ર સ્પર્ધા માટે નક્કી કરવામાં આવ્યા હતા.
આ સ્પર્ધાનો મૂળ હેતુ બાળકોને નાનપણથી જ સ્વચ્છતાના આગ્રહી બનાવવા સાથે સમાજમાં બાળકો થતી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવાનો હતો. પ્રતિયોગીતામાં ભાગ લેનારા તમામ બાળકોને પ્રમાણપત્ર તથા રાઇટિંગ પેડ પ્રોત્સાહન ઇનામ તરીકે આપવામાં આવ્યા હતા. જ્યારે બંને કેટેગરીમાં પ્રથમ ત્રણ આવેલા બાળકોને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પહેલી કેટેગરી માં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીને 5000, દ્વિતીય નંબર ને 3000 તથા તૃતીય નંબરની આવનાર વિદ્યાર્થીને 2000 પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જ્યારે બીજી કેટેગરીમાં પ્રથમ નંબરે 11,000, દ્વિતીય નંબરે 7000 તથા તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીને 5,000 નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે તથા સેનેટરી કમિટી ચેરમેન અંકિત બારોટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે પોતાના પ્રસંગિક ઉદબોધનમાં બાળકોની આ કલાત્મકતાને બિરદાવતા સમાજ ઉપયોગી બનવાનો સંદેશ પણ આપ્યો હતો. સાથે જ ઉમેર્યું હતું કે, તમે સૌ બાળકો આજે આ પ્રતિયોગીતા થકી સ્વચ્છ ભારત અભિયાનના નાનકડા સૈનિકો બન્યા છો
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સેનીટેશન વિભાગના મદદનીશ નિયામક સંદીપસિંહ ગોહિલ તથા સેનીટેશન વિભાગ ટીમ દ્વારા કરવામાં આવેલ.
ઉલ્લેખનીય છે કે આ પ્રતિયોગીતાના નિર્ણાયક તરીકે એનઆઈડી ગાંધીનગર સંસ્થાના વરૂણભાઈ તથા પ્રતીકભાઈ અને અમીયાપુર શાળાના શિક્ષક નિકુંજ મિસ્ત્રી તથા સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાતમાંથી કોમલ ઠાકોરે સેવા આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ