
અમરેલી,, 05 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. અમરેલી–સાવરકુંડલા રોડ ઉપર આવેલી શેત્રુંજી નદી પાસે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડ્યું હોવાનું સામે આવ્યું છે. ઈશ્વરીયા જૂથ યોજના હેઠળ આવતી આ પાણીની લાઇન છેલ્લા ચાર દિવસથી તૂટી હાલતમાં હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
આ ભંગાણના કારણે શેત્રુંજી નદીનું દૂષિત પાણી પાઈપલાઇનમાં ઘૂસી જતા આસપાસના પાંચ ગામોમાં રોગચાળાનો ગંભીર ભય ઊભો થયો છે. લાપાળીયા, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા સહિતના ગામોમાં ચાર દિવસથી દૂષિત પાણી વિતરણ થતું હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે. છતાં જવાબદાર અધિકારીઓ અને મેન્ટેનેન્સ કરતી એજન્સી આંખ આડા કાન કરતી હોવાની પ્રતીતિ મળી રહી છે.
ચાર દિવસથી અવિરત રીતે પાણી વહેતા રહેવાના કારણે લાખો લીટર કિંમતી પીવાના પાણીનો વેડફાટ થયો છે. સ્થાનિકોનું માનવું છે કે નદી વિસ્તારમાં બેરોકટોક દોડતા રેતીના ડમ્પરોના કારણે પાણીની લાઇન તૂટી હોવાની પ્રબળ શક્યતા છે.
આ સમગ્ર મામલે અમરેલી જિલ્લા વહીવટીતંત્ર અને પાણી પુરવઠા વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. જો સમયસર સુધારણા નહીં થાય તો સ્થાનિકોમાં રોષ ફાટી નીકળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai