
- દોષિતોને સજા કરવાની ઉગ્ર માંગ
અમરેલી, 05 જાન્યુઆરી (હિ.સ.) : બગદાણા પ્રકરણની ઘટનાની ગુંજ હવે સમગ્ર અમરેલી જિલ્લામાં સંભળાઈ રહી છે. બગદાણાના નવનીત બાળધીયાને ન્યાય મળે તે માટે આજે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા સાવરકુંડલામાં વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રિદ્ધિ–સિદ્ધિ ચોકથી પ્રાંત કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા અને “નવનીતને ન્યાય આપો”, “દોષિતોને સજા કરો” જેવા સુત્રોચાર સાથે ન્યાયની માંગ ઉઠાવી હતી.
પદયાત્રા બાદ સમાજના આગેવાનો દ્વારા સાવરકુંડલા ખાતે પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી કે, ઘટનાને લઈને પોલીસમાં નામજોગ ફરિયાદ આપવામાં આવી હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા પક્ષપાતી વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આ બાબતથી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.
કોળી સમાજના આગેવાનોનું કહેવું છે કે જો તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને કડક સજા નહીં કરવામાં આવે, તો સમાજ દ્વારા સરકાર સુધી લેખિત આવેદન સ્વરૂપે માંગણીઓ પહોંચાડવામાં આવશે. સાથે જ, ન્યાય ન મળ્યે વધુ જલદ અને ઉગ્ર કાર્યક્રમો યોજવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
આ પદયાત્રા દરમિયાન શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, પરંતુ સમાજનો આક્રોશ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વહીવટીતંત્ર પર હવે ઝડપી કાર્યવાહી કરવાની જવાબદારી વધી ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai