
અમરેલી, 05 જાન્યુઆરી (હિ.સ.) જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલી દ્વારા વેદ બ્લડ બેંક, અમરેલીના સહયોગથી જિલ્લા અદાલત, અમરેલી ખાતે એક વિશાળ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ માનવતાભર્યા કાર્યક્રમમાં ન્યાયાધીશો, વકીલો તેમજ કોર્ટ સ્ટાફે સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી સમાજ પ્રત્યેની પોતાની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
કેમ્પમાં જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ રીઝવનાબેન બુખારી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ડી.એસ. શ્રીવાસ્તવ, તેમજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સહિત અનેક ન્યાયાધીશો અને વકીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમના પ્રેરણાદાયી ઉપસ્થિતિમાથી સમગ્ર કેમ્પમાં ઉર્જા અને સેવાભાવનો માહોલ સર્જાયો હતો.
આ રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનો અને સમાજમાં સ્વૈચ્છિક રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. વેદ બ્લડ બેંકની તબીબી ટીમ દ્વારા રક્તદાન પ્રક્રિયા સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે ન્યાયિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જ્યારે માનવસેવા માટે આગળ આવે છે ત્યારે સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચે છે. આ કેમ્પ માનવતા, સહકાર અને સામાજિક જવાબદારીનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai