
દમણ, 05 જાન્યુઆરી (હિ.સ.)-સંઘપ્રદેશ દમણના ઔદ્યોગિક વિસ્તાર ડાભેલમાં આજે બપોરના સમયે બે પેકેજિંગ કંપનીઓમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. કલાકોની કઠિન મહેનત બાદ પણ બપોર સુધી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નહોતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ડાભેલ ક્રિકેટ ગ્રાઉન્ડની સામે આવેલી ‘ટોટલ પેકેજિંગ’ કંપનીમાં બપોરે અંદાજે 12 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જોતજોતામાં આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું અને બાજુમાં આવેલી ‘એસી (ACE) પેકેજિંગ’ કંપનીને પણ પોતાની ઝપટમાં લઈ લીધી હતી.
બંને કંપનીઓમાં ઘરવપરાશમાં ઉપયોગ થતી પ્લાસ્ટિક સામગ્રીનું ઉત્પાદન થતું હોવાથી પ્લાસ્ટિક અત્યંત જ્વલનશીલ હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ દમણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
આગની ગંભીરતા જોતા દમણ સહિત આસપાસના વિસ્તારોમાંથી કુલ 18 ફાયર ટેન્ડરો અને પાણીના ટેન્કરો બોલાવવામાં આવ્યા હતા. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ અંદર રહેલા કેમિકલ અને પ્લાસ્ટિકના કારણે આગ બુઝાવવી ભારે પડકારરૂપ સાબિત થઈ હતી.
દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સચિવ હરીશ પટેલે જણાવ્યું હતું કે,
“આગ અત્યંત ભીષણ છે. પ્લાસ્ટિક સામગ્રીને કારણે તેને કાબૂમાં લેવી મુશ્કેલ બની છે. તેમ છતાં ફાયર વિભાગની ટીમો સતત કામગીરી કરી રહી છે.”
રાહતની વાત એ છે કે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. જોકે, બંને કંપનીઓમાં રહેલો લાખો-કરોડો રૂપિયાનો માલસામાન અને મશીનરી બળીને ખાખ થઈ જતા ભારે આર્થિક નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે