


ગાંધીનગર, 04 જાન્યુઆરી (હિ.સ.) : ગગદાસ પરમારના બન્ને પગ કપાઈ ગયા હોવા છતાં આજે આ યુવાનની આંખોમાં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું રમે છે. આ શક્ય બન્યું છે ગગદાસના સાહસ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાથ-સહકારથી. ગગદાસ રોજ સવારે 100 અને 200 મીટર રેસની તૈયારી કરી રહ્યો હોય છે ત્યારે તેના મનમાં એક જ સંકલ્પ હોય છે - ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને રાજ્યને ગૌરવ અપાવવું.
દિવ્યાંગ ગગદાસ પરમારની કરુણ કહાણી તેના પોતાના આત્મવિશ્વાસ, પરિવારની હૂંફ અને સરકારના સાથ-સહયોગથી પ્રેરણાદાયક કથામાં પરિવર્તિત રહી છે. ગગદાસના સપના કોઈ શેખચલ્લીનાં સપનાં નથી, કારણ કે તે રાષ્ટ્રીય સ્તરે સ્વર્ણ અને કાંસ્ય પદક જીતી લાવ્યો છે અને અત્યારે આંતરરાષ્ટ્રીય પેરા ગેમ્સ તેમજ પેરા ઓલિમ્પિકની તૈયારીઓમાં સતત પરસેવો પાડી રહ્યો છે.
ગગદાસ વાવ-થરાદ જિલ્લાનો યુવાન છે. ખેતમજૂર થાનાભાઈ પરમારના પરિવારના આ દીકરાને વર્ષ 2017માં વીજળીનો કરંટ લાગ્યો અને સમગ્ર પરિવાર પર જાણે વીજળી પડી.
જુવાનજોધ પુત્રના બન્ને પગ વીજળીને કારણે એટલા બળી ગયા હતા કે ઘૂંટણના નીચેના ભાગથી બન્ને પગ કપાવવા પડ્યા. પરિવારે સતત બે વર્ષ દીકરાની સારવાર કરી અને ગજા બહારનો અધધ આઠથી દસ લાખ રૂપિયાનો ખર્ચ કરીને દીકરાને નવજીવન અપાવ્યું. આજે આ દીકરો ગુજરાતને ગૌરવ અપાવવા સક્ષમ બન્યો છે.
ગગદાસ પોતાના બન્ને પગ ગુમાવી ચૂક્યો હતો, પરંતુ તેનો આત્મવિશ્વાસ અટલ હતો, તેણે આગળ અભ્યાસ માટે પાલનપુરની વાટ પકડી. પાલનપુરમાં વિદ્યામંદિર શાળાની દિવ્યાંગો માટેની હોસ્ટેલમાં રહીને ભણતાં ભણતાં ગગદાસને કોચ નીલેશભાઈ રબારી મળ્યાં, જેમના પ્રોત્સાહન અને પ્રયાસોથી ગગદાસ સ્પોર્ટ્સ તરફ વળ્યો અને નેશનલ ગેમ્સ પણ રમી શક્યો. ગગદાસે માત્ર છ મહિનાની તૈયારીઓ થકી ડિસ્ક થ્રો અને પેરા પાવરલિફ્ટિંગમાં રાષ્ટ્રીય સ્તરે ચંદ્રકો પણ પ્રાપ્ત કર્યા. આ સિદ્ધિઓ કંઈ નાનીસૂની નથી.
ગગદાસને સામાજિક સંસ્થાઓ તરફથી પ્રોસ્થેટિક પગ પ્રાપ્ત થયા હતા, પરંતુ સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવા માટે એડવાન્સ પ્રોસ્થેટિક પગ જરૂરી હતા. આ માટે રૂપિયા 14થી 15 લાખનો ખર્ચ થાય એમ હતો. આર્થિક રીતે નબળા અને એમાંય દવાખાનામાં ધોવાઈ ગયેલા પરિવાર માટે તો આ ખર્ચ શક્ય જ નહોતો.
ગગદાસે આત્મવિશ્વાસ ગુમાવ્યા વિના આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મદદ માગવાનું નક્કી કર્યું. ગાંધીનગર આવીને ગગદાસે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી. સાલસ અને સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ગગદાસને મદદ કરવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કર્યા.
મુખ્યમંત્રીએ સરકારી સહાય ઉપરાંત સીએસઆર ફંડ થકી ગગદાસને તાત્કાલિક મદદ મળી શકે, એવા સફળ પ્રયાસો કર્યા. આજે ગગદાસને અદ્યતન તકનીકવાળા પ્રોસ્થેટિક પગ પ્રાપ્ત થયા છે સાથે સાથે ઉચ્ચ સ્તરનું કોચિંગ પણ મળી રહ્યું છે.
ગગદાસને હવે ઓલિમ્પિક મેડલથી ઓછું કંઈ ખપતું નથી. દોડશે ગગદાસ, જીતશે ગુજરાત!
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ