
જૂનાગઢ 4 જાન્યુઆરી (હિ.સ.) રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા અને જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ આજે વહેલી સવારે ૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો. સાથે જ સ્પર્ધકોનું ઉત્સાહવર્ધન કર્યું હતું
આ સ્પર્ધામાં રાજ્યભરના ૧૧૧૫ સ્પર્ધકોએ ફૂલ ગુલાબી ઠંડીમાં નવા ઉત્સાહ અને જોમ જુસ્સા સાથે કરવા ગિરનારને સર કરવા માટે દોટ મૂકી હતી.
રાજ્યના કેબિનેટ અને જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની સાથે મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશ અજવાણી, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા સહિતના મહાનુભાવો અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો શુભારંભ કરવામાં પણ સહભાગી બન્યા હતા.
પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, ૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ફેટ ઇન્ડિયા, ખેલે ગુજરાતની નેમને સાર્થક કરે છે. સાથે જ આ સ્પર્ધાથી સ્પર્ધકોમાં સાહસિકતાના ગુણો પણ વિકસે છે. તેમણે એમ પણ ઉમેર્યું કે, ૨૦૩૦માં રાજ્યમાં અમદાવાદ ખાતે કોમનવેલ્થ ગેમ્સ યોજવા જઈ રહી છે ત્યારે, નવા ખેલાડીઓ પણ તૈયાર થશે.
પ્રભારી મંત્રીએ, ૪૦મી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધામાં સહભાગી થનાર ખેલાડીઓને બિરદાવી તેમને શુભેચ્છા સહ અભિનંદન પણ આપ્યા હતા.
તેમણે જણાવ્યુ કે, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંચાલિત આ સ્પર્ધા ગિનિઝ બુક ઓફ રેકોર્ડ્સ અને લીમકા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન પામી ચૂકી છે. ઉપરાંત આ સ્પર્ધાનું લાઈવ વેબકાસ્ટિંગ કરવાની સાથે ટેકનોલોજી નો પણ પૂરતો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૧૯૭૧ ફૂલછાબ દૈનિક દ્વારા શરૂ થયેલી આ સ્પર્ધા ૧૯૯૬થી ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સિનિયર-જુનિયર ભાઈઓ માટે અંબાજી સુધીના ૫૫૦૦ પગથિયા અને સિનિયર જુનિયર બહેનો માટે માળી પરબ સુધી ૨૨૦૦ પગથિયાની સ્પર્ધા રહે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ