
ભુવનેશ્વર, નવી દિલ્હી, 4 જાન્યુઆરી (હિ.સ.): ઓડિશાના ઢેેકાનાલ જિલ્લાના મોટંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર પથ્થરની ખાણમાં શનિવારે રાત્રે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં અનેક લોકોના મોતની આશંકા છે. આ ઘટનાએ ગેરકાયદેસર ખાણકામ અને ગેરકાયદેસર બ્લાસ્ટિંગ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
ગોપાલપુર ગામ નજીક એક ગેરકાયદેસર ખાણમાં વિસ્ફોટ થયો હતો. જાનહાનિની આશંકા છે, પરંતુ આ સમાચાર લખાય છે ત્યારે મૃત્યુ કે ઇજાની કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. મોડી રાત્રે ઘટનાની માહિતી મળ્યા બાદ, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરી લીધો હતો. ઓડાપાડા તહસીલદાર, મોટંગા પોલીસ સ્ટેશન સાથે, ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. સાવચેતીના પગલા તરીકે, આ વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે અને જાહેર અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
તહસીલદાર, મોટંગા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ (આઈઆઈસી) અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આખી રાત ઘટનાસ્થળે રહ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા હતા. અધિકારીઓ હાલમાં એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, વિસ્ફોટ સમયે ખાણમાં કોઈ કામદાર હાજર હતા કે નહીં, અને કોઈ ઘાયલ, મૃત કે કાટમાળમાં ફસાયેલા છે કે નહીં.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જ્યાં વિસ્ફોટ થયો હતો તે પથ્થરની ખાણમાં માન્ય બ્લાસ્ટિંગ પરમિટ નહોતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ઢેકાનાલ જિલ્લા ખાણ કાર્યાલયે 8 સપ્ટેમ્બર, 2025 ના રોજ લીઝધારકને બ્લાસ્ટિંગ પરવાનગીના અભાવે ખાણ બંધ કરવાનો નિર્દેશ જારી કર્યો હતો. તેમ છતાં, નિયમોનું ઉલ્લંઘન કરીને ખાણમાં બ્લાસ્ટિંગ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિતા મહંતો / સમન્વય નંદા / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ