



પોરબંદર, 06 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદર ગાંધી સ્મૃતિ ભવન, ચોપાટી ખાતે ગુજરાત સાહિત્ય એકાદમી, ગાંધીનગર તથા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે આયોજિત પુસ્તક વિમોચન અને કવિ સંમેલન કાર્યક્રમમાં વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા જાણીતા ઇતિહાસવિદ શ્રી નરોત્તમ પલાણની ઉપસ્થિતિમાં પોરબંદરના જાણીતા તસ્વીરકાર જીતેન્દ્રસિંહ સોઢા દ્વારા રચિત “દરિયાની રેતમાં રમતું નગર પોરબંદર” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ જાણીતા તસ્વીરકાર જીતેન્દ્રસિંહ સોઢાના પુસ્તકના તેમના મહત્વપૂર્ણ સર્જન બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ સમૃદ્ધ સંસ્કૃતિ, ઐતિહાસિક વારસો તથા કુદરતી સૌંદર્યને ઉજાગર કરતું આ પુસ્તક પોરબંદરની વિશિષ્ટ ઓળખને વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ અધ્યક્ષ ભગીરથસિંહ જાડેજા, ઇતિહાસવિદ નરોત્તમ પલાણ, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણિયા સહિત સાહિત્યપ્રેમી નાગરિકો, શિક્ષકો તથા અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya