


પોરબંદર, 06 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા વી. આર. ગોઢાણિયા કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં રહેલી વ્યાપારિક સૂઝ અને કૌશલ્યવર્ધનને પ્રોત્સાહન આપવા માટે 'મેનેજમેન્ટ કાર્નિવલ-2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આજના અત્યંત સ્પર્ધાત્મક યુગમાં માત્ર ડિગ્રી મેળવવી પૂરતી નથી. યુવાનોએ કુશળ મેનેજર અને સાહસિક ઉદ્યોગસાહસિક બનીને દેશના વિકાસમાં યોગદાન આપવું જોઈએ.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સમય સાથે બદલાવું અનિવાર્ય છે. આગામી સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ક્વોન્ટમ ટેક્નોલોજી ક્ષેત્રે અનેક તકો રહેલી છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે આ વિષયોને સિલેબસમાં પણ સ્થાન આપ્યું છે.
મંત્રીએ યુવા પેઢીને ખાસ જણાવ્યું હતું કે, મોબાઈલનો ઉપયોગ માત્ર સોશિયલ મીડિયાની રીલ્સ જોવા માટે કરવાને બદલે કંઈક નવું શીખવા અને જ્ઞાન મેળવવા માટે કરવો જોઈએ. તેમણે ગર્વ સાથે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ભારત તમામ ક્ષેત્રોમાં વિશ્વ નેતા બની રહ્યું છે અને ટેક્નોલોજીમાં પણ ભારતે વિશ્વભરમાં લીડ લીધી છે.
આ કાર્યક્રમ દરમિયાન કોલેજ કેમ્પસની સ્વચ્છતા માટે અવિરત કાર્ય કરતી 'નિસર્ગસેવા સેતુ' ટીમની વિશેષ નોંધ લેવામાં આવી હતી. કેમ્પસને સ્વચ્છ રાખવાની નેમ લેનાર આ ટીમના સભ્યોનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્નિવલમાં વિદ્યાર્થીઓ દ્વારા મેનેજમેન્ટ અને બિઝનેસને લગતા વિવિધ સ્ટોલ્સ અને પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા, જે સંસ્થાના ટ્રસ્ટી મંડળ અને આમંત્રિત મહેમાનો દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કોલેજના મુખ્ય ટ્રસ્ટી વિરમભાઈ ગોઢાણીયા સહિત કોલેજના આચાર્ય પ્રાધ્યાપકો સહિત બહોડી સંખ્યામાં મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya